1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે ‘ઉમાશંકર જોશી: સાહિત્યસર્જક અને વિવેચક’ એ વિષય પર મહાનિબંધ લખેલો. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષપદે સેવા આપી 2 ફેબ્રુઆરી, 1998ના રોજ નિવૃત્ત થયા. હાલ તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ’માં સહસંપાદક અને ગુજરાતી ‘બાળવિશ્વકોશ’માં મુખ્ય સંપાદકનું કાર્ય સંભાળી રહ્યા છે. ઉપરાંત ભાષાસાહિત્યના સંશોધનક્ષેત્રે માર્ગદર્શક (ગાઇડ) પણ રહી ચૂક્યા છે. ગુજરાતની તેમજ રાષ્ટ્રીય સ્તરની ઘણી સાહિત્યસંસ્થાઓમાં તેઓ પ્રવૃત્ત રહી ચૂક્યા છે. સાહિત્યક્ષેત્રે વિશાળ ફલક પર તેમનું નોંધપાત્ર પ્રદાન છે અને ઘણાં પારિતોષિકોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે જેમકે કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક (1964), ગુજરાત સાહિત્ય અકાદમીમાં 4 વખત પ્રથમ, 2 વખત દ્વિતિય અને એક વખત તૃતીય પારિતોષિક મળ્યા છે. ઉપરાંત, દિલ્હી સાહિત્ય અકાદમીએ તેમની કૃતિ ‘ધૂળમાંની પગલીઓ’ માટે 1986માં તેમને નેશનલ ઍવૉર્ડથી નવાજ્યા છે. આવા ઘણાં પારિતોષિકો જેવા કે ધનજી કાનજી સુવર્ણચંદ્રક’, ઉશનસ્ પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, જ્યોતિન્દ્ર હ. દવે પારિતોષિક, ગુ. સા. અકાદમીનો ગૌરવ પુરસ્કાર, આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડ વગેરે અને બીજા અનેક ઍવૉર્ડ્સ તેમની યશકલગીમાં શોભી રહ્યા છે.