
Khyati Thanki
1 Book
શબ્દોમાં જીવતી નિશબ્દા..
ખ્યાતિ થાનકીનો જન્મ 1982માં પોરબંદરમાં થયો છે. ખ્યાતિ થાનકી એક સંવેદનશીલ લેખિકા છે. તેઓ પોરબંદર નિવાસી સ્વ. રસિકભાઈ મોઢા તથા સ્વ. ઇન્દિરા મોઢાનાં પુત્રી છે, તેમજ પોરબંદરમાં જ સ્થિત શ્રી નિમિષ થાનકી સાથે સહજીવન ગાળી રહ્યાં છે. એમની પુત્રી દિયામાં પણ લેખનનો વારસો સાંગોપાંગ ઊતરે તેવી પ્રવૃત્તિ ઘરમાં પણ કરતાં રહે છે.
2002માં ગુજરાતી સાહિત્યમાં ગ્રૅજ્યુએશન દરમિયાન જ સાહિત્યના લગાવને લીધે ગુજરાતી વિષયમાં અનુસ્નાતકની પદવી પણ મેળવી. આ દરમિયાન વિચારોનાં બીજ સતત વિસ્તરતાં રહ્યાં. ત્યારબાદ Bachlor of Educationની પદવી મેળવી, શિક્ષક બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું માંડ્યું.
5 સપ્ટેમ્બર, 2011ના રોજ પોરબંદરના ઓડદર ગામે ભાષાશિક્ષક તરીકે નિમણૂક મેળવી. ત્યારબાદ શરૂ થયેલી શિક્ષણની સફર આજ સુધી અવિરત વહેતી આવી છે. સાહિત્ય પ્રત્યે બાળકોમાં પણ વિશેષ પ્રેમ જાગે એ હેતુથી ભાષાની અનેક પ્રવૃત્તિઓ સતત કરાવતાં રહ્યાં છે. એના ફળસ્વરૂપ જ ગુજરાતી વિષયમાં હાઇકુ વિષય પર Ph.D. કરવાનો વિચાર જન્મ્યો.. અને ખૂબ ટૂંકાગાળામાં ડૉ. ખ્યાતિ થાનકી લખાશે અને યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાશે.
લેખનકળા સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલાં રહ્યાં છે. લેખનકળા આમ પણ માતા તરફથી વારસામાં મળેલ હોઈ તેઓએ પ્રતિલિપિમાં વર્ષ 2020માં લખવાનું શરૂ કર્યું અને નાની ટૂંકી વાર્તાઓથી શરૂઆત કરી. ‘પ્રતીક્ષા’ ‘પ્રેમની ક્ષિતિજ’, ‘પ્રણયસ્વપ્ન’, ‘પ્રિયમ-પ્રકૃત’ ‘પૂર્વભાસ’ અને ‘પ્રત્યુષા’ અને ‘ફિર મિલેંગે’ એમ કુલ 7 નવલકથાઓ લખી અને વાચકોનો બહોળો પ્રતિસાદ મેળવ્યો. આ ઉપરાંત અનેક લેખો, કાવ્ય અને સંવેદનાસભર સાહિત્યનું સર્જન કરતાં રહ્યાં છે.
‘લોકસત્તા’, ‘જનસત્તા’ વર્તમાનપત્રમાં પણ દર સોમવારે આરંભ પૂર્તિમાં તેમના લેખો પ્રગટ થાય છે. આમ, સાહિત્યની સફરમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યાં છે અને આગળ પણ આમ જ સાહિત્યનો દરિયો ખેડતાં રહેશે...