શ્રદ્ધાબેન ત્રિવેદીનું બાળસાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. અનેક બાળવાર્તા સંગ્રહો, નવવિકા સંગ્રહ, વિવેચન તથા સંપાદનો મળી લગભગ 70 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે 2010માં નિવૃત્ત થઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની નિશ્રામાં તૈયાર થઈ રહેલ ‘બાળ વિશ્વકોશ’માં કામગીરી બજાવી ચૂકેલ છે.
ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા બહુમૂલ્ય પ્રદાન બદલ અનેક પારિતોષિકો મળેલ છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 1996માં ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવેલ છે. આ સાથે બાળસાહિત્ય, વિવેચન વગેરે માટે પાંચ સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સાહિત્ય પરિષદ તરફથી અન્ય ત્રણ પુરસ્કારો મેળવેલ છે. વિશેષમાં 2013માં દિલ્હી બાળસાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત બાળસાહિત્ય માટે NCERT ના બે પુરસ્કારો મળેલ છે.