ભારતના ટોચનાં ન્યુટ્રીશનિસ્ટમાં ઋજુતા દિવેકરની ગણના થાય છે. તેમણે ભારતનાં સૌથી વધુ વેચાતાં ડાયેટ પુસ્તક ‘મગજ ન ગુમાવો, વજન ગુમાવો’ અને ‘ફિટનેસ ગીતા’ જેવાં બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે.ઋજુતાનું કાર્યસ્થળ મુંબઈ છે, ઋષિકેશમાં તે યોગનો અભ્યાસ કરે છે, ઉત્તરકાશી તેનું પ્રિય સ્થળ છે, તો હિમાલય ખૂંદવાનો તેનો શોખ છે. છેલ્લા દસકાથી પણ વધારે સમયથી તેણે ઘણાં ક્ષેત્રની વ્યક્તિઓને ફિટનેસ અને ડાયેટ માટેની સલાહ આપી છે. જેમાં કરીના કપૂર, અનિલ અંબાણી, સૈફ અલી ખાન, કોંકણા સેન અને પ્રીટી ઝીન્ટા જેવી `સેલિબ્રિટીઝ'નો સમાવેશ થાય છે. ભારતમાં આજે સ્પોર્ટ્સ સાયન્સ અને આહાર નિષ્ણાત તરીકે કુશળ વ્યક્તિઓ આંગળીને વેઢે ગણી શકાય તેટલી ઓછી છે, તેમાં પણ પોતાની વિશિષ્ટ કુશળતા દ્વારા ઋજુતા દિવેકરે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના અભિગમ દ્વારા `ડાયેટિંગ'ની વ્યાખ્યા જ બદલી નાંખી છે.