પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વજગતનું એક ઉભરતું નામ છે. મૂળ જન્મસ્થાન રાજકોટ શહેર. ધોરણ ૧૨ સુધી રાજકોટની શાળામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ તેમણે વડોદરા ખાતે પારૂલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ ક્ષેત્રે સ્નાતક થવાનો નિર્ણય કર્યો. કૉલેજના ચાર વર્ષો દરમિયાન તેમણે એન્જિનિયરીંગની સાથોસાથ મહારાણા સયાજીરાવ યુનિવર્સિટીના પર્ફોમિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ (મ્યુઝિક કૉલેજ)માં બે વર્ષ સુધી ‘ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ’નું પણ અધ્યયન કર્યુ. રંગમંચ સાથેનો એમનો નાતો ત્યારથી મજબૂત થતો ગયો, જેણે બાદમાં ગુજરાતી ભાષા પ્રત્યેની એમની રૂચિમાં વધારો કર્યો.પુષ્કળ રેમ્પ-શૉ, ખ્યાતનામ બ્રાન્ડ્સ અને ઘણી બધી વેબસાઇટ્સ માટે કેટલૉગ મોડેલિંગ કર્યા બાદ તેઓ મુંબઈમાં લગભગ દોઢેક વર્ષ સુધી રહ્યા, જ્યાં તેમણે કમર્શિયલ અને એક્સપેરિમેન્ટલ નાટકોનો પણ સ્વાદ ચાખ્યો.૧૯ વર્ષની નાની ઉંમરે કેટલીક વિટંબણાઓનો સામનો કર્યા બાદ પરખ ભટ્ટને કલમનો સથવારો મળ્યો. અખબારી કટારલેખન માટે વય કાચી હોવા છતાં મક્કમ મનોબળ અને મહેનત કરવાની ધગશને કારણે જર્નલિઝમના કોઇ કોર્ષ કે ડિગ્રી વગર તેઓ ગુજરાતી પત્રકારત્વજગતની બારાખડી શીખ્યા. ફક્ત ચાર વર્ષની આ લેખનયાત્રામાં તેઓ સાંજ સમાચાર, ફૂલછાબ, મિડ-ડે, મુંબઈ સમાચાર, ગુજરાત ગાર્ડિયન સહિતના પ્રમુખ દૈનિક અખબારો તેમજ કૉકટેલ ઝિંદગી (પ્રીમિયમ ગુજરાતી મેગેઝિન) અને ફીલિંગ્સ મેગેઝિન (વડોદરા) જેવા માતબર સામયિકોમાં કુલ ૧૨૦૦થી વધુ લેખો, ઇન્ટરવ્યૂ, અહેવાલો લખી ચૂક્યા છે. આ સફર હજુ પણ અવિરતપણે ચાલુ છે.‘બ્લેક બોક્સ’ અને ‘સાયન્ટિફિક ધર્મ’ એ બંને પરખ ભટ્ટના લેખ-સંગ્રહો છે, જેમાં વિવિધ વિષયોને આવરી લેતાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.