માવજી મહેશ્વરીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ ગામ એવા ભોજાય ખાતે એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેઓ પોતાના ગામમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
તેઓ 2016માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ, 2009નો શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકારનો ઍવૉર્ડ તથા 2009નો પ.પૂ. શ્રી મોરારિબાપુ પ્રેરિત ‘ચિત્રકૂટ ઍવૉર્ડ’ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત થયેલા છે. આ ઉપરાંત તેમની શૈક્ષણિક કુશળતાની સેવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તતક મંડળ, GCERT અને GIET એ પણ લીધી છે. પ્રાથમિક તેમજ યુનિવર્સીટી કક્ષાએ તેમની વાર્તા અને નવલકથા અભ્યાસક્રમમાં ભણાવાઈ રહી છે.તેમની નવલકથાઓ અને નિબંધોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓના અનેકવિધ પુરસ્કારો મળેલા છે. કચ્છમાં આવેલ ધરતીકંપ વિશે ‘કચ્છમિત્ર’ દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ ‘તિરાડ’ નામની કૉલમે રાષ્ટ્રીય કક્ષાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નવી દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા તરફથી મંચન થયેલ નાટક ‘તિનકા-તિનકા’ તેમની કૉલમ ‘તિરાડ’ પર આધારિત હતું. તેમની જુદી જુદી વાર્તાઓનો અંગ્રેજી, હિન્દી, મરાઠી, તેલુગુ તેમજ પંજાબી ભાષાઓમાં અનુવાદ થયેલ છે.
તેઓ કચ્છના લોકસંગીત અને લોકગીતો અંગે ખૂબ જાણકારી ધરાવે છે.