હર્ષલ પુષ્કર્ણા સફારી સામાયિકમાં તંત્રી અને લેખક હતા અને હર્ષલ પ્રકાશનના માલિક છે. હર્ષલ પ્રકાશન ગુજરાતી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. તે ગુજરાતી પ્રવાસ સામાયિક જીપ્સી ટ્રાવેલરના માલિક અને પ્રકાશક છે અને ગુજરાત સમાચારમાં કટાર લખે છે.૨૦૧૭માં તેમણે તેમના પુસ્તક ‘આ છે સિયાચેન’ નાં વિમોચન સાથે વિવિધ શહેરોમાં સિયાચેન જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી હતી.તેમનો જન્મ રાષ્ટ્રવાદી લેખક અને પત્રકારોના પરિવારમાં થયો હતો. તેમના પિતા નગેન્દ્ર વિજય વરિષ્ઠ પત્રકાર છે, જયારે દાદા વિજયગુપ્ત મૌર્ય અગ્રણી વિજ્ઞાન લેખક અને પક્ષીવિદ્દ હતા.તેમણે વિજ્ઞાનલેખક તરીકેની પોતાની કારકિર્દી પોતાના જ સામાયિક (સફારી)થી શરુ કરી. તેમણે સંદેશ અને મીડ-ડે દૈનિકોમાં અને નેટવર્ક જેવા સાપ્તાહિકોમાં પણ 1995-97માં વિજ્ઞાન લેખો લખ્યા. તેમણે 1998માં અમદાવાદના એક શહેર સામાયિક - સિટીલાઈફ ન્યુઝનું સંપાદન કર્યું હતું. વર્ષ 2000માં તેમણે વીસમી સદીની પ૦ અજોડ સત્યઘટનાઓ નામનું 88 પૃષ્ઠોનું પુસ્તક લખ્યું, સંપાદન કર્યું અને પ્રસિદ્ધ કર્યું.તેમણે વિજ્ઞાનનગરી, ગાંધીનગરના માનદ વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કર્યું.તેમણે ખગોળશાસ્ત્ર, સંરક્ષણ, માહિતી તંત્રજ્ઞાન (IT), પ્રાણી સૃષ્ટિ, ઇતિહાસ, ભૂગોળ, સૈન્ય તકનીકી પર તેમના માસિક સામાયિક સફારીમાં વિગતવાર લેખો લખ્યા છે.