હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે પ્રયાસ નહીં. કોઈ દંભ નહીં કે જ્ઞાનનું પ્રદર્શન નહીં. પોતે જે રીતે જીવનને જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, પ્રમાણ્યું છે એની જ વાત. દેશ અને પરદેશમાં એ ઘૂમતા રહ્યા છે. અનેક માણસોને મળે છે. માણસોને વાંચે છે. પુસ્તકોને વાંચે છે અને પોતાને પણ વાંચવાનું ચૂકતા નથી. સંસ્કૃત સાહિત્યનો એમનો પૂરતો અભ્યાસ છે. એ અભ્યાસની આભા અવારનવાર વર્તાય છે. એમના શબ્દોમાં આભા છે પણ છેતરામણો આભાસ નથી. શ્લોકને આધારે અહીં શબ્દલોક પ્રગટ થાય છે.