ડૉ. ચંદ્રકાન્ત મહેતા (ઉપનામ-શશિન્) ગુજરાતી કવિ, વાર્તાકાર, સંપાદક અને પત્રકાર છે. તેમનો જન્મ અમદાવાદનાં સરખેજમાં થયો હતો. તેમણે એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી હિંદી વિષયમાં એમ. એ., પીએચ.ડી. તથા કાયદાશાસ્ત્રમાં એલ.એલબી.ની ઉપાધીઓ મેળવી હતી. તેઓ નવગુજરાત કૉલેજમાં હિંદી વિષયના પ્રાધ્યાપક તેમજ કૉલેજમાં મલ્ટિકૉર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના માનદ નિયામક નિમાયા હતા. તેઓએ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં રીડર તેમજ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. પછીથી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ નિમાયા હતા. તેઓ અમદાવાદની સહજાનંદ કૉલેજના મલ્ટિકોર્સ વિભાગના નિયામક તરીકે રહ્યા હતા અને હીરામણિ વિદ્યાસંકુલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.1973થી તેઓ સર્જનકાર્ય કરે છે. તેમણે સાહિત્યના વિવિધ સ્વરૂપો જેવા કે કાવ્ય, જીવનચરિત્ર, વાર્તા, બાળસાહિત્ય અને સવિશેષ ચિંતનાત્મક નિબંધોમાં સાહિત્યસર્જન કર્યું છે. ‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. તેમને સંસ્કૃતિ પુરસ્કાર' (૧૯૯૨), રાજભાષા સમ્માન પુરસ્કાર (૧૯૯૬) અને સૌહાર્દ એવૉર્ડ (૧૯૯૯) વગેરેથી સન્માનીત કરવામાં આવ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા તેમને વર્ષ ૨૦૦૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તેમણે ૨૦૨૧નો ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.