ડૉ. ભરત જાદવનો જન્મ દાહોદ જિલ્લાના રાણાપુર ખુર્દ ગામમાં તારીખ 15 જૂન, 1974ના રોજ, કુંભારી કામ કરતાં ભૂરીબહેન અને રૂપાભાઈ જાદવને ત્યાં થયો હતો. તે વખતનું રાણાપુર એટલે અત્યંત પછાત અને ગરીબીમાં જીવતું ગામ. ભરત જાદવે બાળપણમાં પોતાના પરિવારને દેહ તૂટી જાય તેવું વૈતરું કરતા જોયો હતો. તેમના ભીતરના જિજ્ઞાસુ તત્ત્વે તેમને ભણવા માટે ધક્કો આપ્યો. તેઓએ પ્રાથમિક શિક્ષણ રાણાપુરમાં જ મેળવ્યું અને હાઈસ્કૂલનું ભણવા માટે રોજ દાહોદ જતા. B.Ed. કર્યું અને પછી દાહોદની પ્રતિષ્ઠિત એમ. વાય. હાઈસ્કૂલના આચાર્યપદે પહોંચ્યા. તેમણે નોકરી દરમિયાન હિંદી વિષયમાં Ph.D. કર્યું. અત્યારે તેઓ વડોદરામાં આવેલી ફર્ટિલાઇઝર-નગર સ્કૂલમાં આચાર્યપદે છે.
2021માં તેમનો એક કાવ્યસંગ્રહ ‘નિરાકાર પાર’ પ્રકાશિત થયો છે. તેમનાં કાવ્યો અને નિબંધોને જુદાં જુદાં સામયિકોમાં સ્થાન મળ્યું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પણ મળ્યાં છે.