અમદાવાદમાં જન્મેલ વિવેક સુરાણીનું શાળાકીય શિક્ષણ સાણંદમાં તેમજ દિવાન બલ્લુભાઈ સ્કુલ, પાલડી ખાતેથી થયું. શાળાકીય શિક્ષણ દરમિયાન તેમણે સ્ટેજ પરની અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. કૉલેજકાળ દરમિયાન પોતાની કૉલેજ તરફથી ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સતત બે વર્ષ વકતૃત્વકળામાં તેમજ એક વાર ડીબેટ સ્પર્ધામાં સફળ રહ્યા, પોતાની અમદાવાદ આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. કૉલેજની ઇવેન્ટ્સ તેમજ બીજાં કાર્યક્રમોનું સંચાલન તેમને સોંપવામાં આવતું.M.A. (English Literature) કર્યા પછી તેમણે ગુજરાત સરકારના મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ચલાવાતા ‘ સ્ટ્રેટેજીક હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ' (S.H.R.M.)નો કોર્સ કર્યો. અમદાવાદમાં ક્રિએટર્સ સંસ્થાની સ્થાપના કરી તેઓ ગુજરાતભરમાં યાદશક્તિ અને સફળતા અંગેના ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે. ‘સફ્ળતા કોઈનો ઈજારો નથી’ ટાઇટલ હેઠળ ગુજરાતના ખ્યાતનામ ટ્રેનર અને પોતાના પિતા ડૉ. સુરાણી સાથે કો-ટ્રેનરની ફરજ બજાવે છે.સ્ટેજ પ્રત્યેની અભિમુખતાને કારણે અમદાવાદ સ્થિત થિયેટર એન્ડ મિડિયા સેન્ટરમાં શ્રી હસમુખભાઇ બારાડી તેમજ જનક દવે (દાદા), જનક રાવલ વગેરે પાસેથી તાલીમ પ્રાપ્ત કરી અનેક નાટકોમાં ભાગ લીધો, દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં દ્વારા આયોજિત રંગ મહોત્સ - ૨૦૦૪માં વિલિયમ શેક્સપિયરના નાટક 'જુલીયસ સીઝર’માં અભિનય કર્યો.ઝી ટીવી દ્વારા આયોજિત 'હીરો હોન્ડા સિને સ્ટાર્સ કી ખોજ’ ટેલેન્ટ કોન્ટેસ્ટમાં અમદાવાદમાં બેસ્ટ ૨૫ એક્ટરમાં સિલેક્ટ થયા. લોકનૃત્યના પોતાના શોખ માટે તેઓ સ્પેન, હંગેરી, સર્બિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, હોલેન્ડ, રશિયા અને યુકેના પ્રવાસે જઈ ત્યાંની સંસ્કૃતિ અને લોકકલા વિષે ઘણી જાણકારી મેળવી.