તારિણી દેસાઈ લઘુકથા લેખિકા છે.તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેમનો પરિવાર પેટલાદનો વતની હતો. તેમણે 1957માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી ફિલોસોફી અને મનોવિજ્ઞાન વિષયમાં બી.એ. અને વિલ્સન કૉલેજમાંથી ફિલોસોફી વિષય સાથે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૫૬માં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ડિપ્લોમા પણ મેળવ્યો. તેમણે ‘ક્યારેક’ નામનું સાહિત્યિક સામાયિક સંપાદિત કર્યું.
તેમણે તેમના કૉલેજ જીવન દરમિયાન લખવાનું શરૂ કર્યું. તેમની પહેલી રેડિયો પ્રસ્તુતી નવરાત્રી 1951માં આકાશવાણીના વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવી હતી. તેમની પ્રથમ વાર્તા ‘મિટીંગ’ 1966માં ચાંદની સામાયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમની ટૂંકી વાર્તા ‘કાબરો પણ ચાલી શકે છે’ને 1975માં રાધેશ્યામ શર્માએ પોતાના વાર્તાસંગ્રહના સંપાદનમાં સમાવી હતી. તેમણે ટીવી શ્રેણી પ્રેરણામાં નાનું પાત્ર ભજવ્યું હતું. 2004માં તેમને ધૂમકેતુ પારિતોષિકથી નવાજવામાં આવ્યા. તેમના વાર્તા સંગ્રહો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કારિત કરાયા છે