રાવજીભાઈ પટેલનો જન્મ વડોદરા પાસે સોખડા ગામમાં ઈ.સ. 1932માં સાધારણ ખેડૂત પરિવારમાં થયો. એમ.જી. સાયન્સ કૉલેજ, અમદાવાદ ખાતેથી B.Sc.નો અભ્યાસ પૂર્ણ કરી શરૂઆતમાં રાજકોટ અને ત્યારબાદ ગોંડલ ખાતે હાઈસ્કૂલમાં વિજ્ઞાનના અધ્યાપક તરીકે આજીવન સેવા આપી, વર્ષ 1990માં વયનિવૃત્ત થયા.
સ્વભાવે અત્યંત સરળ અને સહજ રાવજીભાઈ આધ્યાત્મજગતના ગિરિશૃંગ એવા પૂ. ભાઈ નાથાલાલ જોશીની દિવ્ય ચેતનાનો સ્પર્શ પામી ઈ.સ. 1960થી પરિવાર સાથે ગોંડલ સ્થાયી થયા અને 53 વર્ષ સુધી પૂ. ભાઈના અંતેવાસી તરીકે રહ્યા તેમજ આજે 93 વર્ષની ઉંમરે પણ ગોંડલમાં જ ભગવતભાવની ધૂણી ધખાવીને રહે છે.
ઈશ્વરકૃપાથી રાવજીભાઈને તેમના જીવનકાળ દરમિયાન અનેક આધ્યાત્મિક વિઝન આવ્યાં છે, અસંખ્ય દિવ્ય અનુભૂતિઓ પ્રગટી છે અને આજે પણ આ અનુભવો અવિરત ચાલુ છે, જે તેમના જીવનની અણમોલ ઉપલબ્ધિ છે. અધ્યાત્મજગતની અનુભૂતિઓ એ એક રહસ્યમય કેડી છે, રાવજીભાઈ તેના અનુભવી યાત્રી છે.