Raam Mori
3 Books / Date of Birth:-
02-02-1993
રામ મોરી એ ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. તેમનો જન્મ સિહોરના ‘મોટા સુરકા’ ગામમાં થયો છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે 17 વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’, ‘એતદ્’,’ તથાપિ’ અને ‘શબ્દસર’ જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે. તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ ‘મુકામ વાર્તા’ અને મુંબઇ સમાચારમાં ‘ધ કન્ફેશન બોક્સ’ લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન ‘કોકટેલ જિંદગી’ અને ‘#We’, ફુલછાબમાં ‘લવ યુ જિંદગી’ જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં તેઓ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 2016માં તેમનો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બીટ્ટુ’ થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. ‘મોન્ટુની બીટ્ટુ’ પછી તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી. દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત ‘મારા પપ્પા સુપરહીરો’ અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ‘એકવીસમું ટિફિન. આ બંને ફિલ્મો 2021માં રજૂ થવાની છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને 2016માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ‘મહોતું’ પુસ્તકને ‘સાહિત્ય અકાદમી’નો ‘યુવા પુરસ્કાર’ (2017) પ્રાપ્ત થયો હતો. તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (2017) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક ‘મહોતું’ માટે વર્ષ 2016માં ત્રીજું ઇનામ મળ્યું હતું.