
Mittal Patel
1 Book
મહેસાણા જિલ્લાના શંખલપુર ગામના વતની મિત્તલ પટેલે પત્રકારત્વમાં M.Phil. કર્યું. 2006થી ગુજરાતમાં વસતી વિચરતી વિમુક્ત જાતિઓના કલ્યાણનાં કાર્યો સાથે સંક્ળાયેલાં છે. સરનામાં અને ઓળખાણ વગરનાં આ સમુદાયોનાં લાખો લોકોને તેમના અને તેમની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ(VSSM)ના પ્રયત્નોથી ઓળખાણ મળી છે. હજારો લોકોને સ્વમાનભેર રોજી રોટી રળતાં કર્યાં છે, અનેકોને ઘર બાંધી આપ્યાં છે. વિચરતા વિમુક્ત તેમજ તકવંચિત સમુદાયનાં બાળકો શિક્ષણ મેળવી જીવન ઉન્નત બનાવે તે માટે શિક્ષણસંકુલ સ્થાપ્યું છે, જેમાં અનેક બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.
ઉત્તર ગુજરાતમાં ઊંડાં જઈ રહેલાં ભૂગર્ભજળને લઈને ચિંતિત મિત્તલબહેન તેમજ તેમની સંસ્થાએ જલમંદિરો(તળાવ)નો જીર્ણોદ્ધાર કરવાનું તેમજ વૃક્ષો વાવી ધરતીમાને લીલુડો શણગાર ચડાવવાનું કાર્ય આરંભ્યું છે.
તેમનાં સમાજકાર્યોને ધ્યાને લઈને તેમને અનેક સન્માન મળ્યાં છે, જેમાં–
(1) TED talks દ્વારા તેમને વૈશ્વિક મંચ પર તેમનાં કાર્યો અંગે વાત કરવા આમંત્રણ તેમજ સન્માન મળ્યું.
(2) ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે 2018માં તેમને નારીશક્તિ સન્માન
(3) ગુજરાત સરકાર દ્વારા 2018માં નારીશક્તિ સન્માન
(4) CNN, IBN અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રીયલ હીરો ઍવૉર્ડ
(5) ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ મુદ્દે ઉત્કૃષ્ઠ કામ કરવા બદલ ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર
(6) એબીપી અસ્મિતા દ્વારા અસ્મિતા પુસ્કાર
(7) વર્ષ 2013માં અશોકા ઇનોવેટર દ્વારા અશોકા ફેલોશિપ
(8) સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2013માં સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બહુમાન
(9) ગુજરાતના ગવર્નર માનનીય ઓ. પી. કોહલીના હસ્તે ગ્લોરી ઑફ ગુજરાત ઍવૉર્ડથી સન્માનિત
(10) 2021માં રોટરી ક્લબ, પાલનપુર સિટી તરફથી બનાસ રત્ન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.
(11) દૂરદર્શન દ્વારા ગીરનાર સેવા શિરોમણિ પુરસ્કાર વગેરે જેવા અનેક પુરસ્કાર એમને મળ્યા છે.
આ ઉપરાંત
(1) ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિચરતી વિમુક્ત તેમજ અર્ધવિચરતી જાતિઓના કલ્યાણ અર્થે બનાવેલા બોર્ડમાં તેઓ સભ્ય રહી ચૂક્યાં છે.
(2) ભારત સરકારની નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી અંતર્ગત બનેલી ‘ચિત્તા ટાસ્ક ફોર્સ’માં પણ તેઓ સદસ્ય છે.
(3) વિવિધ અખબારોમાં પોતાના અને વિચરતી-વિમુક્ત જાતિઓના અનુભવો/વ્યથાઓ/મુશ્કેલીઓ તેમજ વિવિધ સામાજિક સમસ્યાઓ, જળસંચય અને પર્યાવરણ મુદ્દે પોતાના અનુભવોને વાચા આપી રહ્યાં છે.
સૌરાષ્ટ્રનું અગ્રણી ગુજરાતી સમાચારપત્ર ‘ફૂલછાબ’માં અઠવાડિક કૉલમ – ‘વિચરતી જાતિના વિતક’
ગુજરાતના અગ્રણી ગુજરાતી સમાચારપત્રક ‘નવગુજરાત સમય’માં અઠવાડિક કૉલમ : ‘સમાજકાર્યોની ગાથા’
દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાચારપત્ર ‘ગુજરાત મિત્ર’માં અઠવાડિક કૉલમ : ‘આપણી આસપાસ’










