
Dr. Urvika Patel
1 Book
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મદદનીશ અધ્યાપક તરીકે 2019માં જોડાયાં ત્યારે પ્રથમ પરિચય થયો. એ સમયે તેઓ ડૉ. પન્ના ત્રિવેદીના માર્ગદર્શનમાં પીએચ.ડી. અભ્યાસમાં સક્રિય હોવાની પ્રતીતિ થઈ. નવાં પુસ્તકો ખરીદવાં, વાંચવામાં તેમની આવકનો મોટો હિસ્સો ખર્ચે છે એ મારા ધ્યાનમાં આવ્યું, જે તેમના માટે ઘણી આશા જન્માવે તેવી હકીકત તરીકે મારા મનમાં ખાસ અંકિત થયું. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસસામગ્રીલેખનમાં તથા સાહિત્યિક સામયિકોમાં લેખન નિમિત્તે તેમની સક્રિયતા નવી પેઢીમાં આસ્થા જન્માવે છે. પોતે બાળવયે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ જનેતાના પ્રોત્સાહનથી અને સ્નાતક કક્ષાએ સાહિત્યની રુચિ જન્માવે એવાં અધ્યાપકોનું માર્ગદર્શન પામ્યાં છે એ વાતની પ્રતીતિ એમના અભ્યાસમાં સહજ રીતે જણાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજ જેવી સંસ્થાઓમાં તેમની પ્રારંભિક સેવાઓથી તેમના અનુભવમાં વૈવિધ્યપૂર્ણ ઉમેરણ થયું છે. અનેકવિધ સંઘર્ષ અને જવાબદારી વચ્ચે તેમણે પીએચ.ડી. શોધકાર્ય સંપન્ન કર્યું છે તે બદલ અભિનંદન પાઠવી ઉજ્જ્વળ કારકિર્દીની શુભકામના પાઠવું છું.











