ધ્રુવ ભટ્ટ લેખક અને કવિ છે. તેમનો જન્મ નીંગાળામાં થયો હતો. ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા. તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા 1988માં પ્રકાશિત થઇ હતી, જે મહાભારત પર આધારિત હતી. ‘ખોવાયેલું નગર’ તેમનું બાળકો માટેનું પુસ્તક છે. તેમના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. તેમને તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે (1993) અને તત્ત્વમસી (1988) દ્વારા અનન્ય ખ્યાતિ મળી. સમુદ્રાન્તિકે નવલકથાને અંગ્રેજીમાં વિનોદ મેઘાણીએ 2011માં ‘ઓસનસાઈડ બ્લૂઝ’ તરીકે અનુવાદિત કરી હતી. તેમની નવલકથા ‘અકૂપાર’ પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે. આ નાટકને ટ્રાન્સમીડિયા અવોર્ડ સમારંભ 2013માં બે પુરસ્કારો મળ્યા હતા. તેમની નવલકથા ‘તત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ 2018માં રજૂ થઈ હતી, જેણે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો. તેમની નવલકથા ‘તત્વમસિ માટે તેમને 2002માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ અને 1998-99નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. 2005માં તેમને ‘દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. ‘ગાય તેના ગીત’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ‘અતરાપી’ અને ‘કર્ણલોક’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.