C. R. Kharsan
1 Book
બનાસકાંઠના રૈયા ગામના એક ખેડૂતપરિવારમાં જન્મેલા સી. આર. ખરસાણ બાળપણથી પ્રતિભાશાળી. ધોરણ 7માં નૅશનલ સ્કૉલરશિપ માટેની પરીક્ષામાં દિયોદર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને આવ્યા. પાલનપુરની પ્રતિષ્ઠિત વિવિધલક્ષી વિદ્યામંદિર શાળામાં ધોરણ 8થી 12 સુધીનું શિક્ષણ મેળવ્યું. ગાંધીનગરની સરકારી સાયન્સ કૉલેજમાં બૅચલર ઑફ સાયન્સ(વનસ્પતિશાસ્ત્ર)નો અભ્યાસ કર્યો. ઈ.સ. 1989માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(જીપીએસસી)ની સીધી ભરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યા. વારસામાં સાંપડેલાં માનવીય મૂલ્યોને મુલકી-સનદી સેવામાં પણ જાળવી રાખ્યાં. આ રીતે નિષ્ઠાવાન અધિકારી તરીકેની ઓળખ ઊભી થઈ. આગવી કાર્યશૈલી અને ઊંડી નિસબત સાથે 2001માં વડોદરા ક્ષેત્રની વસ્તીગણતરીની કામગીરી સારી રીતે સંપન્ન કરાવી, જેના પરિણામસ્વરૂપ ‘સેન્સસ સિલ્વર મેડલ’ એનાયત થયો. ગુજરાત સરકારની વહીવટી અને મુલકી સેવામાં પ્રામાણિક રહીને સારી અને શિસ્તબદ્ધ રીતે જવાબદારી નિભાવવાને લીધે વર્ષ 2015માં ભારત સરકારે Indian Administrative Service(IAS)માં બઢતી આપી. વલસાડ કલેક્ટરના કાર્યકાળમાં શાણપણ સાથે કરેલી કામગીરીના ભાગરૂપે – ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન ઍવૉર્ડ(2018), સ્કોચ ગોલ્ડ ઍવૉર્ડ (2018), ઇન્ડિયન એક્સપ્રેસ એક્સેલન્સ ઇન ગવર્નન્સ ઍવૉર્ડ (2019), શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીનો ઍવૉર્ડ (2019), શ્રેષ્ઠ જિલ્લા કલેકટરના ઍવૉર્ડ(2018-19)થી પુરસ્કૃત થયા, અને સીએમ ડેશબોર્ડ ટૉપર્સ ક્લબમાં અગ્રસ્થાને રહ્યા. સનદી સેવામાંથી નિવૃત્ત થવાની સાથે રાજ્યની સરકારે ચાર વર્ષ માટે ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમણૂક આપી. એક ઉમદા માનવી અને મુલકી/સનદી અધિકારી તરીકેની સાડા ત્રણ દાયકા(1989-2024)ની સાર્થક જીવનસફરનો અર્ક ‘સનદી સેવાની સફર’માં રજૂ કર્યો છે. આ પુસ્તક વાંચતી વખતે વાચક/ભાવકોને એક ‘કર્મયોગી અધિકારી’ કેવો હોય છે, તેનો ખ્યાલ આવશે.

Showing the single result