મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ઍજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ.