રઈશ મનીઆર ગુજરાતી ભાષાના ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. તેમનો જન્મ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામમાં થયો હતો. શાળાકાળમાં જ એમની કાવ્યસર્જનની પ્રતિભા શિક્ષકોના ધ્યાનમાં આવી હતી. અગિયાર વર્ષની ઉમરે 1977ના માર્ચ મહિનામાં એમણે પ્રથમ કવિતા લખી હતી. જે 1981માં ગુજરાત સમાચારના ‘આનંદમેળો’ વિભાગમાં પ્રકાશિત થઈ હતી. રઈશ મનીઆરને બાળપણમાં શિક્ષક બનવાની મહેચ્છા હતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સંજોગોને અનુસરીને એમણે સુરત મૅડીકલ કૉલેજમાંથી MBBS (1988) અને એમ.ડી. પિડિયાટ્રીક્સ (1992)નો અભ્યાસ સંપન્ન કર્યો.
રઈશ મનીઆરનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાફિયાનગર’ એમના MBBSના અભ્યાસ દરમિયાન લખાયો હતો. 2007 સુધી પિડિયાટ્રીશ્યન તરીકે અમી ચિલ્ડ્રન હૉસ્પીટલ ચલાવ્યા બાદ, પોતાનું કાર્યક્ષેત્ર બાળમનોવિજ્ઞાન પર કેંદ્રિત કર્યું. 2007થી લઈ 2013 સુધી એમણે અંતરંગ ચાઈલ્ડ ડૅવલપમેંટ ક્લીનીક ચલાવ્યું. 2013 બાદ સાહિત્યક્ષેત્રમાં સક્રિયતા વધતાં એમણે તબીબ તરીકેની પ્રેક્ટિસને તિલાંજલિ આપી, અને સંપૂર્ણ સમય લેખનને આપવાનો નિર્ણય લીધો. વર્ષ 2004માં એમને પારિવારિક ધોરણે અમેરિકાનો ગ્રીનકાર્ડ મળ્યો હતો. પરંતુ ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં કાર્યરત રહેવાની એકમાત્ર ઈચ્છાને કારણે એમણે ગ્રીન કાર્ડ સરેંડર કર્યો હતો. જો કે એ પછી એમણે અમેરિકાના દસેક પ્રવાસ દ્વારા અમેરિકામાં ગુજરાતી રસિકો માટે અનેક કાર્યક્રમો કર્યા છે. એ સિવાય એમણે યુ. કે. તેમજ દુબઈ અને મસ્કતના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. ગીત-લેખક તરીકે અર્બન ગુજરાતી ફિલ્મોમાં ટ્રેંડસેટર ગણાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ (2012) ફિલ્મથી ગીત-લેખક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા રામલીલા’ માટે એમણે એક બૅકગ્રાઉંડ સોંગ ‘થઈ દોડ દોડ ગલી વાટ મોડ’ લખ્યું છે. આ સિવાય ‘આ તો પ્રેમ છે’, ‘વિશ્વાસઘાત’, ‘પોલંપોલ’, ‘મુસાફિર’, ‘વિટીમીન શી’ અને ‘જે પણ કહીશ તે સાચું કહીશ’ જેવી ફિલ્મો માટે એમણે આશરે 60 જેટલા ગુજરાતી ગીતો લખ્યાં છે. હાલ તેઓ નવગુજરાત સમયમાં બુધવારે અને શનિવારે તેમજ દિવ્ય ભાસ્કરમાં રવિપૂર્તિમાં કટાર લખે છે.તેઓ ‘નર્મદચંદ્રક’ અને ‘કલાપી ઍવોર્ડ’ મેળવનાર સૌથી યુવા સાહિત્યકાર છે. એ સિવાય તેઓ પરિષદ અને અકાદમીનાં અનેક ઍવોર્ડ દ્વારા સન્માનિત થયા છે.