સુધા મૂર્તિ ‘ઇન્ફોસિસ ફાઉન્ડેશન’નાં ચૅરપર્સન અને લોકપ્રિય લેખક છે. તેમનો જન્મ ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IIST) માંથી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ એન્જીનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વિવિધ કૉલેજીસમાં તેમણે કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે.
અંગ્રેજી તથા કન્નડ સમાચારપત્રોના કટારલેખક હોવા ઉપરાંત તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતની બધી મુખ્ય ભાષાઓ, વિદેશની અમુક ભાષાઓ ઉપરાંત બ્રેઇલ લિપિ સહિત તેમનાં કુલ 200 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
2006માં ‘પદ્મશ્રી’, આર. કે. નારાયણ ઍવૉર્ડ ફૉર લિટરેચર, 2011માં કર્ણાટક સરકાર તરફથી `આતિમાબી' ઍવૉર્ડ તથા 2018માં ક્રૉસવર્ડ તરફથી લાઇફટાઇમ એચિવમૅન્ટ ઍવૉર્ડ જેવાં અનેક ઍવૉર્ડ તેમને મળી ચૂક્યાં છે. ભારતની વિવિધ યુનિવર્સિટિઝ તરફથી તેમને સાત માનદ્ ડૉક્ટરેટની પદવીઓ પણ પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.