હર્ષદ પંડ્યાનો જન્મ અમદાવાદના ખાડિયામાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું છેવાડાનું ગામ પરઢોલ. ગામથી રોજ સવારે અગિયાર કિલોમીટર ચાલતા નરોડા પહોંચવાનું અને સાંજે ચાલતા ઘરે પાછા ફરવાનું. આ રીતે શિક્ષણનાં પગથિયાં ચડનાર હર્ષદ પંડ્યાને 1972માં વિદ્યાવાચસ્પતિ કે. કા. શાસ્ત્રી MAમાં ભણાવતા. એક ગઝલ વાંચીને એમણે નામ આપ્યું ‘શબ્દપ્રીત’. આ જ નામે હર્ષદભાઈએ ‘ચારેબાજુ’ અને ‘સાધના’ સાપ્તાહિકમાં પહેલીવાર લેખો લખ્યા.1982માં શ્રી રમણલાલ જોશીનાં માર્ગદર્શન હેઠળ ‘પન્નાલાલ પટેલના વાર્તાસાહિત્યમાં આવતાં અધૂરાં વાક્યો’ અંગેનો Ph.D.નો મહાનિબંધ રજૂ કર્યો હતો.1974થી અમદાવાદની ગોમતીપુર ડેમૉક્રૅટિક હાઈસ્કૂલમાં શિક્ષક. 2004માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ‘સંદેશ’ દૈનિકમાં પૂર્તિસંપાદક તરીકે જોડાયા. 2011થી ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ અને સર્વપ્રિય એવી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ.માં બુક એડિટર તરીકે હાલ સેવા આપી રહ્યા છે.તેમનું લેખનકાર્ય ‘કુમાર’, ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘ગુજરાત ટુડે’, ‘સમભાવ’, ‘જનસત્તા’, ‘અભિયાન’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘અખંડ આનંદ’, ‘નવીનત-સમર્પણ’, ‘મુંબઈ સમાચાર – દિવાળી અંક’, ‘ગુજરાત – દિવાળી અંક’ ‘ગઝલવિશ્વ’, અમેરિકાનું ‘ગૂર્જરી ડાયજેસ્ટ’ અને ‘નવચેતન’ જેવાં શિષ્ટ દૈનિકો – સામયિકો સુધી વિસ્તર્યું છે. એમની હાસ્ય-કૉલમ સંદેશની રવિવાર પૂર્તિમાં અને ‘અભિયાન’ સાપ્તાહિકમાં 2003થી શરૂ થઈ હતી, જે આજ સુધી ચાલે છે. Times of India ગ્રૂપના લોકપ્રિય દૈનિક ‘નવગુજરાત સમય’માં રાજકીય વ્યંગલેખો લખ્યા છે. આજ સુધી એમનાં 21 પુસ્તકો પ્રગટ થયાં છે.