સૌરભ શાહે 1978માં પત્રકારત્વ અને સાહિત્યમાં વિધિસર પ્રવેશ કર્યો તે પહેલાં તેઓ વાર્તા, કવિતા તેમ જ પુસ્તક સમીક્ષા તથા છૂટક લેખો લખતા થઈ ગયેલા.
અઢાર વર્ષની ઉંમરે ‘ગ્રંથ’માં અને ત્યારબાદ ‘જન્મભૂમિ પ્રવાસી’માં જુનિયર સબ-એડિટર તરીકે કારકિર્દી શરૂ કરનાર સૌરભ શાહ ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘મુંબઈ સમાચાર’, ‘અકિલા’, ‘ચિત્રલેખા’ અને ‘સાધના’ સહિતનાં પ્રમુખ ગુજરાતી છાપાં-સામયિકો માટે નિયમિત કૉલમો લખી ચૂક્યા છે.
અત્યારે ‘સંદેશ’ માટે બિનરાજકીય વિષયો પર રવિવારે અને બુધવારે તથા Newspremi.com માટે રાજકીય સમીક્ષા તથા કરન્ટ ટૉપિક સહિત અનેકવિધ વિષયો પર ‘ગુડ મૉર્નિંગ’ નામની કૉલમ લખે છે.
તેઓ ‘સમકાલીન’ (મદદનીશ તંત્રી : 1983-85), ‘અભિયાન’ (મૅનેજિંગ તંત્રી : 1987), ‘મિડ-ડે’ (તંત્રી : 1999-2002 અને ‘સંદેશ’ (એક્ઝિક્યુટિવ તંત્રી : 2003)માં ફરજ બજાવી ચૂક્યા છે.
એમની અવૉર્ડ વિજેતા નવલકથા ‘મહારાજ’ પરથી યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ) આ જ નામની હિન્દી ફિલ્મ બનાવી રહી છે. રિપબ્લિક ટીવી પર અર્નબ ગોસ્વામીના શોમાં અંગ્રેજીમાં ડિબેટ કરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વાત પહોંચાડે છે.
સૌરભ શાહને 2003માં ‘નિર્ભીક ઔર રાષ્ટ્રનિષ્ઠ લેખિની કે ધની’ની ઉપાધિ આપીને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તથા ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે સંસદભવન સંકુલના સભાગૃહમાં ‘પાંચજન્ય વૈદ્ય ગુરુદત્ત પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા.
સૌરભ શાહનાં ડઝનેક પુસ્તકોને ગુજરાતી વાચકોએ બેસ્ટસેલર બનાવ્યાં છે.