ડૉ. રાઘવજી માધડ એક એવા સાહિત્યકાર છે, કે જેમની કલમ અવિરત નવલકથાઓ તેમજ વાર્તાઓ આપતી રહી.એમનું વિશેષ પ્રદાન નવલિકા અને નવલકથામાં છે. છેલ્લા બે દશકામાં ‘દલિત સાહિત્ય’નું અસ્તિત્વ જ્યારે પ્રતિષ્ઠિત થયું છે ત્યારે રાઘવજી માધડની રચનાઓ, વાર્તાઓ, નવલકથાઓ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચે છે તેને સ્પર્શે છે. તેટલું જ નહીં ઉપેક્ષિત દલિત સમાજને ઢંઢોળે છે ને તેને નવીન શક્તિ પૂરી પાડે છે. લેખક પાસે માત્ર તર્ક જ નહીં પણ સુંદર સર્જન શક્તિ પણ છે. ડૉ. રાઘવજીભાઈ શુદ્ધ સંવેદના સર્જક છે. રાઘવજી માધડને વર્ષ 2006માં કબીર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 50,000/-નો રોકડ પુરસ્કાર હોય છે.
‘ઝાલર’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનું પારિતોષિક, ડૉ. જીવરાજ મહેતા ફાઉન્ડેશન – અમદાવાદ દ્વારા ‘નિરંજન વર્ષા વાર્તાકથા’ પુરસ્કાર, જનસત્તા દૈનિક દ્વારા ‘વાડીમાં ઊગ્યો ટહુકો’ વાર્તાને રાષ્ટ્રીય કક્ષાનું પારિતોષિક, મુંબઈ સમાચાર દૈનિક દ્વારા ‘એક મરી ચૂકેલો માણસ’ વાર્તાને પ્રથમ પારિતોષિક, સમકાલીન દૈનિક દ્વારા ‘પ્રતિક્ષા’ વાર્તાને પારિતોષિક,
હયાતી સામાયિક દ્વારા ‘સિક્કા’ વાર્તાને પારિતોષિક.