Pitambar Patel
9 Books / Date of Birth:- 10-08-1918 / Date of Death:- 24-5-1977
પટેલ પીતાંબર નરસિંહભાઈ, ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૩૬-૧૯૪૦માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬થી આકાશવાણી, અમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ‘સંદેશ’ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય.ગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી આ લેખક પ્રાદેશિક નવલકથાકાર છે. ‘રસિયો જીવ’ (૧૯૪૨), ‘પરિવર્તન’ (૧૯૪૪), ‘ઊગ્યું પ્રભાત’ (૧૯૫૦), ‘ખેતરને ખોળે’-ભા. ૧-૨ (૧૯૫૨), ‘તેજરેખા’ (૧૯૫૨), ‘આશાભરી’ (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં’ (૧૯૬૦), ‘ચિરંતન જ્યોત’ (૧૯૬૦), ‘ધરતીનાં અમી’ (૧૯૬૨), ‘કેવડિયાનો કાંટો’ (૧૯૬૫), ‘ધરતીનાં મોજાં’ (૧૯૬૬) વગેરે નવલકથાઓમાં એમણે ગુજરાતનું સમાજજીવનનું વાસ્તવિક છતાં માંગલ્યલક્ષી નિરૂપણ કર્યું છે. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ છે. ‘ખેતરને ખોળે’ એમની ઉત્તમ નવલકથા ગણાય છે.એમણે ‘વગડાનાં ફૂલ’ (૧૯૪૪), ‘મિલાપ’ (૧૯૫૦), ‘શ્રદ્ધાદીપ’ (૧૯૫૨), ‘કલ્પના’ (૧૯૫૪), ‘છૂટાછેડા’ (૧૯૫૫), ‘શમણાંની રાખ’ (૧૯૫૬), ‘સૌભાગ્યનો શણગાર’ (૧૯૬૩), ‘નીલ ગગનનાં પંખી’ (૧૯૬૪), ‘રૂડા સરોવરિયાની પાળ’ (૧૯૬૪), ‘સતનો દીવો’ (૧૯૬૫), ‘ઝૂલતા મિનારા’ (૧૯૬૬) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. આ વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે.એમનાં પ્રકીર્ણ પ્રકાશનોમાં ‘ભારતના નવા યાત્રાધામો’ નવી દ્રષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે વિશિષ્ટ ભાત પાડે છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે