હરેશ ધોળકિયા ભુજ (કચ્છ)ના વતની છે.
વાચનના શોખે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ આકર્ષણ જન્માવ્યું. તેના પ્રભાવે શિક્ષક થવાનું નક્કી કર્યું. પચ્ચીસ વર્ષ (1966-91) શિક્ષક તરીકે કામગીરી બજાવી. પ્રથમ વીસ વર્ષ ભુજનાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં શિક્ષક તરીકે અને છેલ્લાં પાંચ વર્ષ ભુજની જ શ્રી વી. ડી. હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે કામગીરી બજાવી. પ્રથમ શાળાએ વૈચારિક ઘડતર તથા પ્રવૃત્તિ કરવાની તાલીમ આપી. પછી આંતરિક જીવન જીવવા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી.
વાચનશોખ સાથે લેખનશોખ વિકસાવ્યો. તેમાં મહત્ત્વનો ફાળો ‘કચ્છમિત્ર’ એ આપ્યો. છેલ્લાં પાંચ દાયકાથી પણ વધારે સમયથી તેમાં લેખન થાય છે. અત્યાર સુધી 171 પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમાં સ્વતંત્ર, અનુવાદ, સંપાદન, હાસ્યલેખો, પ્રેરણાત્મક પુસ્તકો, આરોગ્ય પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ‘અંગદનો પગ’ નવલકથાની સોળ આવૃત્તિ અને અઢાર હજાર નકલો વેચાઈ ચૂકી છે. અબ્દુલ કલામની આત્મકથા ‘અગનપંખ’ ત્રીસ આવૃત્તિ પસાર કરી ગઈ છે. બીજાં પણ અનેક પુસ્તકો એકથી વધારે આવૃત્તિ પસાર કરી ગયેલ છે. લખવાનું હજી પણ ચાલુ જ છે.
લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, શિવામ્બુ, પ્રાકૃતિક ચિકિત્સા, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, મૅનેજમેન્ટ વગેરે વિષયો પર પ્રવચનો આપે છે અને શિબિરોનું સંચાલન કરે છે.