સિદ્ધહસ્ત લેખિકા ગીતા માણેકે પોતાની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી. તેમણે ગુજરાતી ભાષામાં નવલકથા, નવલિકાઓ, પ્રવાસવર્ણન, બાળવાર્તાઓ, નિબંધો, અનુવાદ વગેરે તમામ સાહિત્યપ્રકારોમાં કામ કર્યું છે. તેઓ જાણીતાં નાટ્યલેખિકા પણ છે. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત તેમના હિન્દી નાટક ‘આખિર કયું'ની દેશભરના મીડિયાએ નોંધ લીધી હતી. ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવન પર આધારિત તેમણે લખેલું ‘ડૉક્ટર આનંદીબાઈ : લાઇક કમેન્ટ શૅર' નાટક ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં ભજવાયું છે. ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ અને એનસીપીએ સેન્ટરસ્ટેજ થિયેટર ફેસ્ટિવલમાં પણ આ નાટકના શો થયા છે. તેમનાં ‘સગપણના સોદાગર', ‘કાગડો' જેવાં નાટકો પણ પ્રેક્ષકોમાં પ્રિય થયાં છે. તેમણે સ્ટાર પ્લસ ચૅનલ પરથી પ્રસારિત થયેલી ‘સારથિ' સિરિયલનાં સંવાદલેખન ઉપરાંત અન્ય અનેક ટેલિવિઝન સિરિયલોમાં પટકથા-સંવાદલેખક કર્યું છે. એનએફડીસી અને સૂચના-પ્રસારણ મંત્રાલય દ્વારા 2016માં આયોજિત શૉર્ટ ફિલ્મ સ્પર્ધામાં તેમની ફિલ્મ ‘કાન્હા ગયો રે'ને સર્ટિફિકેટ ઑફ ઍકસલન્સ પ્રાપ્ત થયું હતું. તેમણે ‘સરદાર-ધ ગેમ ચેન્જર' નામની અદ્વિતિય ડૉક્યુ-નૉવેલ લખી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓને ખતમ કર્યા વિના 550થી વધુ રજવાડાંને દેશમાં કઈ રીતે વિલીન કર્યાં એની ગાથા અત્યંત રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે. લગભગ તમામ ગુજરાતી અખબારોમાં તેઓ કૉલમો લખી ચૂક્યાં છે.