Tina Doshi
2 Books
ભારતીય મહિલા વિશ્વકોશ અને સર્વપ્રથમ નારીકથાનાં પ્રણેતા ડૉ. ટીના દોશી જાણીતાં પત્રકાર, લેખિકા અને સંશોધક છે. મુંબઈમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં પ્રતિષ્ઠિત પ્રકાશનો ‘જન્મભૂમિ’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’, ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના પ્રતિષ્ઠિત દૈનિક ‘સમકાલીન’ અને સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં તેમણે વર્ષો સુધી લેખનકાર્ય કર્યું છે. ગુજરાતનાં માતબર દૈનિકો ‘સંદેશ’, ‘દિવ્ય ભાસ્કર’, ‘સમભાવ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, અને સામયિક ‘અહા જિંદગી’ તથા ‘અખંડ આનંદ’માં પણ લેખનકાર્ય કર્યું. અપરાધ અને ગુનાખોરી વિશે સતત લખતાં રહ્યાં. લંડનથી પ્રકાશિત થતાં સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વૉઇસ’નાં પ્રૉજેક્ટ-ઇન-ચાર્જ અને એડિટોરિયલ કૉ-ઑર્ડિનેટર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ‘આદિવાસી આંદોલનો : ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજવિજ્ઞાન ભવનમાંથી 2010માં પીએચ.ડી. કર્યું. વલ્લભ વિદ્યાનગર ખાતે ચારુતર વિદ્યામંડળની ‘સરદાર પટેલ સંશોધન સંસ્થા’(સૅરલિપ)માં અધ્યાપક તરીકે કાર્યરત રહ્યાં.
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પૂર્વ કુલનાયક ડૉ. સુદર્શન આયંગારના માર્ગદર્શનમાં વિનોબા ભાવે પ્રેરિત ‘ભૂદાન ચળવળની રાષ્ટ્રીય સમીક્ષા’ પ્રકલ્પ પર બે વર્ષ સુધી સંશોધનકાર્ય કર્યું.
પ્રાચીન કાળની સ્ત્રીઓ આધારિત સંશોધનકાર્ય રસનો વિષય. વેદથી મહાભારત સુધી સ્ત્રીઓની સ્થિતિને આવરી લેતો 820 પાનાંનો ભારતીય મહિલા વિશ્વકોશનો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ ભગીરથ કાર્ય કરતાં નારીકથા કરવાનો વિચાર આવ્યો. ચારુતર વિદ્યામંડળના સૅરલિપ સંકુલમાં માર્ચ 2014માં સર્વપ્રથમ ત્રિદિવસીય નારીકથા કરી. પ્રસંગ અને પાત્રોને અનુરૂપ દુહા, છંદ, કાવ્યપંક્તિઓ અને ગીતોની રમઝટ સાથે રજૂ કરાતી સંગીતમય નારીકથા રાજકોટ, જામનગર, આણંદ, ડાકોર અને ખેરાળુ સહિતનાં સ્થળોએ થઈ ચૂકી છે.
આ નારીકથા પ્રચલિત નારીવાદથી પ્રેરિત નથી, પુરુષવિરોધી નથી. એ નારીની વ્યથા અને વેદનાની નહીં, પણ વીરતા અને વિદ્વત્તાની કથા છે. એ આંસુ અને આક્રોશની નહીં, પણ નારીના આત્મવિશ્વાસ અને આત્મસન્માનની કથા છે. આ નારીકથામાં વેદથી મહાભારત સુધીના સમયખંડનાં સ્ત્રીપાત્રોને નવી ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
લેખિકાએ 16 પુસ્તકો લખ્યાં છે. ‘ગૂર્જર ગરિમા’ને રેખાચિત્રો માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ‘પ્રાચીન કાળમાં સ્ત્રી’ને ગુજરાત સાહિત્ય અકાદમીના સંશોધનના પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમને ગુજરાત દૈનિક અખબાર સંઘ અને મહારાષ્ટ્ર સરકારનાં શ્રેષ્ઠ પત્રકારત્વ પારિતોષિક પ્રાપ્ત થયાં છે. ભારતીય મહિલા વિશ્વકોશને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળનો ઇન્દ્રબા ભોગીન્દ્રરાવ દિવેટિયા પુરસ્કાર પ્રાપ્ત થયો છે.