બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાલામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો રહ્યો છે. એમના પ્રત્યેક શબ્દમાં વિદ્રોહના વિસ્ફોટની ભયાનકતા અનુભવાય છે.વ્યવસાયે તબીબ હોવા છતાં લેખનને તેમણે વ્યવસાય બનાવી સમાજક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને રાજક્ષેત્રે વૈચારિક વંટોળ સર્જીને સાહિત્ય જગતમાં વિદ્રોહિની તરીકેની છાપ ઊભી કરી છે.