રમણભાઈ પટેલે 2005થી લેખન પ્રવૃત્તિ શરૂ કરેલી. આજ સુધીમાં તેમણે બાર વાર્તાસંગ્રહો આપ્યા છે. એ સિવાય તેમણે તેમનાં જીવનનાં સ્મરણોનું પુસ્તક ‘ખારા અબ્રામાનું મીઠું ઝરણું' લખ્યું છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ એમને નહોતું મળ્યું. એમના જીવનઘડતરની શરૂઆત ગાંધી કુટિર કરાડીથી થઈ હતી. શ્રી દિલસુખભાઈ દીવાનજીની નિશ્રામાં બે વર્ષ રહેલા રમણભાઈ પટેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડૉ. સાંડેસરા, ડૉ. રણજિત પટેલ ‘અનામી' અને ડૉ. સુરેશ જોષીના વિદ્યાર્થી છે. મુખ્ય વિષય ગુજરાતી સાથે 1960ની સાલમાં તેમણે M.A. કર્યું ત્યાર પછીનાં બે વર્ષ મુખ્ય વિષય હિંદી સાથે M.A.નો અભ્યાસ કર્યો પણ પરીક્ષા ન આપી. ડૉ. રણજિત પટેલ ‘અનામી’ના માર્ગદર્શન હેઠળ તેઓ Ph.D. કરી રહ્યા હતા, ત્યાં તેમને લંડન જવાનું થયું હાથ ધરેલું Ph.D.નું કામ પૂરું કરી ન શક્યા. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીમાં આઠ વર્ષ Part Time કામ કરવાનું થયેલું તે દરમિયાન અનેક સાહિત્યકારોના સંપર્કમાં આવવાનું થયું.
તેમણે લંડનની માધ્યમિક શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે લાંબો સમય કામ કરેલું એક-બે કૉલેજોમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપનનું કામ પણ કરેલું. લંડનના ભારતીય વિદ્યાભવનમાં પણ તેમણે ત્રેવીસ વર્ષ ગુજરાતી ભાષાનું અધ્યાપનકાર્ય કરેલું.
1967થી તેઓ લંડનમાં વસે છે અને ત્યાંની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ લે છે.