શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે…
આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે એવા છે. તે વખતે ઉગ્ર રીતે ‘સળગતા’ એ પ્રશ્નો આજે લગભગ હોલવાઈ ગયા છે. આમ છતાં, એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ, એની નિર્બલતાઓ, સમાજની હાસ્યજનક રૂઢિઓ, દંભો ઇત્યાદિનું સૂક્ષ્મ અવલોકન કરી રમણભાઈએ સર્વનું જે રસિક, સચોટ ને તાદૃશ આલેખન કર્યું છે, તે તેમ જ સભાઓ ને ન્યાતના કોલાહલ ને અવ્યવસ્થા, રેલવેની મુસાફરી દરમ્યાન પ્રશ્નો પર પ્રશ્નો પૂછી કંટાળો આપતા સહપ્રવાસીઓ; કોર્ટમાં અર્થ વગરની ને બિનજરૂરી તકરાર કર્યા કરતા વકીલો; `કહ્યું કશું, ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું;’ એ ઉક્તિના નમૂનારૂપ, ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછતા ન્યાયાધીશ ઇત્યાદિના અસામાન્ય, કંઈક અતિશયોક્તિથી રંગાયેલાં છતાં આકર્ષક વર્ણનો અને અવનવી કલ્પના, અભિનવ અલંકારો અને મર્મ ને નર્મથી ઓપતો, કોઈ પણ જાતના અંતરાય વિના સડસડાટ વહી જતો શૈલીનો પ્રવાહ ઇત્યાદિ એ પુસ્તકની ગુણસમૃદ્ધિથી કોઈ પણ વાચક આકર્ષાયા વગર રહી શકે એમ નથી. આજે આ પુસ્તકમાં અનેક સ્થળે દેખાતાં વર્ણનછટા, અલંકારસમૃદ્ધિ ને કલ્પનાવૈભવ, ટોળટીખળ ને ઠઠ્ઠામજાક આપણા સાહિત્યમાં અન્યત્ર મળવાં દુર્લભ છે.
Be the first to review “Bhadrambhadra”
You must be logged in to post a review.