78 Books / Date of Birth:-
12-05-1892 / Date of Death:-
20-09-1954
રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ હતા. તેમનો જન્મ વડોદરાના શિનોરમાં થયો હતો. વસંતલાલ ‘દેશભક્ત’ નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા. તેમના પિતાના પ્રકાશન સિવાય, તેમના શાળાજીવનમાં તેમને પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા.
1908માં તેઓ મૅટ્રિક થયા અને વડોદરા કૉલેજમાં દાખલ થયા, જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા હતા. તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ, લગ્ન જેવા વિષયો પર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો પર વ્યાખ્યાન પણ આપતા રહેતા. ‘તેમની કવિતા શું કરું?’ કૉલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી અને પાછળથી તેનો સમાવેશ તેમના કાવ્યસંગ્રહ ‘નિહારીકામાં’ થયો હતો. તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર 1916માં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને 1948માં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવિદ્ છે.
તેઓ ગુજરાતી નવલકથાકારો ‘કનૈયાલાલ મુન્શી’ અને ‘ધુમકેતૂ’ના સમકાલીન હતા. તેઓ મોટાભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે.
‘સંયુક્તા’ નાટક તેમનું સૌપ્રથમ સાહિત્ય સર્જન હતું. જે 1915માં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું. તેમની પ્રથમ નવલકથા ‘ઠગ’ (1924-25) ગુજરાતી સામાયિક ‘નવગુજરાત’માં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. તેમની નવલકથા ‘કોકિલા’ અને ‘પૂર્ણિમા’ પરથી હિંદી ચલચિત્ર બન્યું હતું. 1932માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત થયો હતો.