કુમારપાળ દેસાઈ ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક અને અનુવાદક છે. કુમારપાળ દેસાઈનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા રાણપુરમાં થયો હતો, જ્યારે તેમનું વતન સાયલા છે. કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે 'આનંદઘન : એક અઘ્યયન' વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. એ પછી ભાષાસાહિત્યભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે.ગુજરાત સરકાર દ્વારા સ્થપાનાર અહિંસા યુનિવર્સિટીની ઍક્ટ અને પ્રૉજેક્ટ સમિતિના ચેરમેન તરીકે એમણે કાર્ય કર્યું છે. અત્યારે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના પ્રૉફેસર એમરિટ્સ અને ગૂજરાત વિદ્યાપીઠના એડજન્ક્ટ પ્રૉફેસર તરીકે તેઓ જોડાયેલા છેકુમારપાળ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ.સ. 1990માં બકિંગહામ પૅલેસમાં ડ્યૂક ઑવ એડિનબરો પ્રિન્સ ફિલિપને 'જૈન સ્ટેટમેન્ટ ઑન નેચર' અર્પણ કરવા ગયેલા પાંચ ખંડના જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ હતા. વળી, 1993માં શિકાગોમાં અને 1999માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં યોજાયેલી 'વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સ'માં તથા 1994માં વૅટિકનમાં પોપ જૉન પૉલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શન વિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી. 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી' નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી અને કો-ઑર્ડિનેટર છે. આ સંસ્થા દ્વારા બ્રિટિશ લાઇબ્રેરીમાં રહેલી જૈન હસ્તપ્રતોના કૅટલૉગનું કામ ચાલી રહ્યું છે જેના પ્રથમ ત્રણ ભાગનો વિમોચનવિધિ 25મી મે 2006ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે ડૉ. મનમોહનસિંઘના હસ્તે કરવામાં આવ્યો. તેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે.