વાંકાનેરમાં જન્મેલા ડૉ.અઢિયાનું બાળપણ રાજકોટમાં વીત્યું. ૧૯૭૪માં એમણે વર્ધાથી MBBS કર્યું. ૧૯૮૫માં તેઓ સાઉદી અરેબિયાની ચેપી રોગની હૉસ્પિટલમાં જોડાયા. ૧૯૯૧માં ખાડીના યુદ્ધ દરમિયાન લોકોની સેવા કરીને તેઓ ભારત પાછા ફરી અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં લેકચરર્ તરીકે જોડાયા. ૧૯૯૮માં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સીટી ટી.બી. ઑફિસર તરીકે વધારાનો ચાર્જ સામેથી માંગીને સંભાળ્યો. અમદાવાદનો સુધારેલો રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ કે જે વિશ્વ બેંક અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગ અને મદદથી ચાલે છે તેના તેઓ વડા બન્યા.તેમણે અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓમાં કાર્યક્રમો આપ્યા. સાલ ૨૦૦૨માં તેમણે બેંગકોક અને હૉંગકૉંગની હીરાની કંપનીના સ્ટાફને ટ્રેનિંગ આપી. સાલ ૨૦૦૩ અને ૨૦૦૪માં તેમણે અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં ‘પ્રેરણાનું ઝરણું’ અને ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ’ના પ્રોગ્રામો કર્યા. અમેરિકામાં રોટરી કલબ ઓફ મારીનો વેલી (કેલિફોર્નિયામાં) અને રિવરસાઇડકોમ્યુનિટી કૉલેજમાં પણ “પ્રેરણાનું ઝરણું" વહાવ્યું. લોસ એન્જેલસમાં બ્રહ્માકુમારી સેન્ટરે હોલીવુડના ઍક્ટરો માટે “પ્રેરણાનું ઝરણું”નો ખાસ પ્રોગ્રામ ગોઠવ્યો. અમેરિકાના સમાચાર પત્રોએ ડૉ. જિતેન્દ્ર અઢિયાના ઘણા ઇન્ટરવ્યૂ છાપ્યા. અમેરિકાના ટી.વી. એશિયાએ પણ તેમનો ઈન્ટરવ્યૂ પ્રસારિત કર્યો. સાલ ૨૦૦૫માં લંડનના અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તથા ધ જાનકી ફાઉન્ડેશન ફોર ગ્લોબલ હેલ્થ કેર (બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય)માં પણ સેમિનાર આપ્યા.ભારતમાં સમાચારપત્રો, રેડિયો તથા ટી.વી. ચેનલોએ તેમની મુલાકાતો પ્રસારિત કરી. અમેરિકાથી પાછા ફર્યા બાદ તેમના પ્રોગ્રામોની માંગ એટલી બધી વધી કે તેમણે મેડિકલ કૉલેજની એસોસિએટ પ્રોફેસરની નોકરીમાંથી ૧લી નવેમ્બર ૨૦૦૩થી રાજીનામું આપ્યું અને આ પ્રવૃત્તિને પૂર્ણ સમયની બનાવી દીધી. એમનું “પ્રેરણાનું ઝરણું" પુસ્તક ગુજરાતીમાં નંબર વન બેસ્ટસેલર બન્યુ અને આખી દુનિયામાં ફેલાઈ ગયું અને અનેક ભાષાઓમાં અનુવાદિત થયું.