જય વસાવડા ગુજરાતી લેખક છે. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક છે. સાયન્સની પરીક્ષા આપી, જેમાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો. તેમણે વિષય બદલી કૉમર્સની પરીક્ષા આપી અને મૅનૅજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. તેઓ 3 વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કૉલેજમાં માર્કેટિંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કૉલમિસ્ટ તરીકે 1996માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક ‘અનાવૃત્ત’ અને ‘સ્પેક્ટ્રોમીટર’ નામની કૉલમ પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી સાપ્તાહિક ‘અભિયાન’માં ‘રંગત સંગત’ કૉલમ 2008થી લખે છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર 1100થી વધુ લેખ લખ્યા છે. તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શૉ સંવાદનાં 225 હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદલેખન કર્યું છે. તેમણે જાહેર વક્તા તરીકે 1200થી વધુ વક્તવ્ય, ગુજરાત સરકારનાં કાર્યક્રમો, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યાં છે. ગુજરાતી ચલચિત્ર બે યાર(2014)માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતું.