હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક ગુજરાતી ભાષાના કવિ, ટૂંકી વાર્તા લેખક, સંપાદક અને બાળ વાર્તા લેખક છે.૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૧-૬૨માં સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ છે.તેમનું પ્રથમ સર્જન નાટકનો તખ્તો ચાંદની માં પ્રગટ થયું હતું, જ્યારે તેમની પ્રથમ કવિતા કુમારમાં પ્રગટ થઇ હતી. સૂરજ કદાચ ઊગે (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવા પચીસી (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. મોરબંગલો (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે.તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. કોઈનું કંઈ ખોવાય છે (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. દોસ્તારની વાતો (૧૯૯૩) બાળકો માટેની વાર્તાઓનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. હલ્લો-ફલ્લો (૨૦૦૫) પણ બાળસાહિત્યનું પુસ્તક છે.તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭), ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (૧૯૮૪), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર મળ્યો.
“Chan Chan Chakli Chana Ni Dal” has been added to your cart. View cart