
Dr. Mahebub Desai
1 Book
પ્રોફે. ડૉ. મહેબૂબ દેસાઈ ભાવનગર વિશ્વવિદ્યાલયના ઇતિહાસ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર (1998થી 2012) અને ઇતિહાસ અને સંસ્કૃતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અધ્યક્ષ અને પ્રોફેસર (2012થી 2018)તરીકે કાર્યરત હતા. ભાવનગર વિશ્વવિદ્યાલયના ગાંધીવિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક તરીકેની તેમની કામગીરી ગાંધીવિચારના પ્રસારપ્રચારમાં નોંધનીય રહી છે. ‘દિવ્ય ભાસ્કર’, ‘ફૂલછાબ’, ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘જયહિન્દ’ જેવાં અખબારોમાં તેમની કૉલમો અવિરત ચાલતી રહી છે. તેમને 1992 ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તેમના સંશોધન ગ્રંથ માટે પ્રાપ્ત થયેલ છે. તેમને ગાંધીજીને મળેલ માનપત્રોની ‘કુમાર’ માસિકમાં ચાલેલ કૉલમ માટે 2019માં ‘કુમારચંદ્રક’ એનાયત થયેલ છે.
ભારતના 63મા પ્રજાસત્તાક દિને (1992) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલના હસ્તે સન્માન પ્રાપ્ત કરનાર ડૉ. દેસાઈ સ્વભાવે અને કર્મે શુદ્ધ અધ્યાપક છે. તેઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન, ઇતિહાસવિદ, લેખક અને ઉત્તમ વક્તા છે. ભારતની બિનસાંપ્રદાયિકતાના જીવંત પ્રતીક છે. તેમના પિતાજી અને દાદા બંને પોલીસ વિભાગમાં અધિકારી હતા, છતાં રાષ્ટ્રીય ચળવળના પ્રખર હિમાયતી અને ખાદીધારી હતા. ડૉ. દેસાઈએ ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષેત્રે ઘણા મૂલ્યવાન છે.
ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્ત્વની રાષ્ટ્રીય સેવા તેઓ બજાવી રહ્યા છે, આ ઉપરાંત તેઓ ઉદારમતવાદી રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવે છે, એ સરાહનીય છે. અંતે આપણા જાણીતા લેખક અને પદ્મશ્રી શ્રી ગુણવંત શાહના શબ્દોમાં, ‘નૂતન ભારત થોડાક મહેબૂબભાઈઓની ઝંખના કરે છે, જેથી ખાબોચિયામાં પુરાઈ ગયેલી કહેવાતી ધાર્મિકતાને મહાસાગરની વિશાળતા સાંપડે.’