Ashish Surani
1 Book / Date of Birth:-
25-08-1993
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે મારો જન્મ થયો. મારાં મમ્મી-પપ્પા માટે ચાર દીકરીઓ ઉપર હું પાંચમું સંતાન હતો. પપ્પાને ગામની અંદર જ ઘરની આગળની બાજુ કરિયાણાની દુકાન હતી. કુલ પાંચ સંતાનોને મોટા કરવા તથા સારી રીતે ભણાવવા-ગણાવવા માટે તેમના ઉપર ખૂબ મોટી જવાબદારી હતી. એ સમયમાં ખરાબ પરિસ્થિતિ હોવા છતાં ફક્ત એક દુકાન ચલાવીને તેમણે પાંચેય સંતાનોના સારા ભવિષ્યનિર્માણ માટે અથાક મહેનત અને પરિશ્રમ કર્યો. તેની સાથે મમ્મીનો પ્રેમ અને કાળજી પામતાં અમે તેમની પાસેથી ત્યાગ અને સહિષ્ણુતાનાં ગુણો પણ પ્રાપ્ત કર્યા.
મેં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ રાજસીતાપુર ગામની સરકારી શાળામાં જ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સુરેન્દ્રનગર સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવ્યો. તેમાં ઉત્તીર્ણ થઈને મોરબી સ્થિત લખધીરજી ઍન્જિનિયરિંગ કૉલેજ ખાતે સિવિલ ઍન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી. હાલ અલગ અલગ સરકારી તથા અર્ધસરકારી વિભાગોમાં સેવા આપી રહ્યો છું. હું મારા પરિવાર સાથે સુરેન્દ્રનગરમાં રહું છું.
આજે હું પૂરા ગર્વ સાથે કહી શકું છે કે મારી સાથે મારી ચારેય મોટી બહેનો પોતાની વ્યક્તિગત જિંદગીમાં અને પોતાના કામના પદ ઉપર ખૂબ સારી રીતે બિરાજમાન છે. વધુમાં સદ્ભાગ્યે મને મારા ચારેય જીજાજીના સ્વરૂપમાં નવા ચાર મિત્રો મળ્યા છે. તેથી આ બાબતે હું મારી જાતને સુપર રીચ માનું છું. તદ્ઉપરાંત જિંદગીના અલગ અલગ મુકામ ઉપર મને મળેલા મિત્રો પણ કોઈ બેશકિમતી હીરાઓથી કમ નથી.
વાંચન અને લેખન મારો શોખ નથી, પરંતુ મારો પ્રેમ છે. એ સિવાય અંતરિક્ષ વિજ્ઞાન, નૉલેજ અને ફૅક્ટ્સ, બુક સમરી, ડિજિટલ પૉડકાસ્ટ, હ્યૂમન સાઇકોલૉજી, લૅટેસ્ટ ટૅક્નૉલૉજી, ફૉટોગ્રાફી વગેરે મારા રસના વિષયો છે. સતત નવું નવું શીખતા રહેવું મારી જીદ છે.
- આશિષ સુરાણી