એક સારા લેખક, પત્રકાર અને ફૉટોગ્રાફર તરીકે કળા અને સાહિત્યના ક્ષેત્રે રિદ્ધિ પટેલ નિરંતર પોતાનું યોગદાન આપતા રહ્યાં છે. તેમણે અમદાવાદની એચ.એ. કૉમર્સ કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભવન્સ કૉલેજ કેમ્પસમાંથી રાજેન્દ્ર પ્રસાદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન અને મૅનેજમૅન્ટમાંથી પત્રકારત્વ વિષયમાં ગૉલ્ડમેડલ સાથે ડિપ્લોમા કર્યું. રિદ્ધિ પટેલે TV9 ન્યૂઝ ચેનલથી પત્રકારત્વની શરૂઆત કરી. ત્યાર બાદ ‘નમસ્કાર’ સામાયિક, ‘સંદેશ ન્યૂઝ’ ચેનલ અને ‘VTV ન્યૂઝ’ ચેનલ અને ‘ZEE 24 કલાક ન્યૂઝ’ ચેનલ (ZEE MEDIA)સાથે કામ કર્યું. વર્ષ 2012માં તેમનું પ્રથમ પુસ્તક 'અમદાવાદની પોળમાં' સુંદર ફૉટોગ્રાફ્સ સાથે પ્રકાશિત થયું. તેમણે ‘રવીન્દ્ર - એક મેઘધનુષી વ્યક્તિત્વ’, ‘લૅજન્ડરી પોળો’ (અંગ્રેજી ભાષામાં), ‘ટૅમ્પલ્સ ઑફ પોલો ફૉરેસ્ટ’ (અંગ્રેજી અને ગુજરાતી ભાષા) જેવા પુસ્તકોના માધ્યમથી ગુજરાતી ભાષાને ઉત્તમ સાહિત્ય પ્રદાન કર્યું છે. 'The Girl' રિદ્ધિ પટેલની પહેલી નવલકથા છે. આ ઉપરાંત રિદ્ધિ પટેલ તેમના ફેસબુક પેજ પર પ્રવાસ વર્ણન, કવિતાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખે છે.