પ્રવીણ દરજી કવિ, વિવેચક અને સંપાદક છે. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં થયો હતો. 1965 થી 1967 સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક 1976થી લુણાવાડા કૉલેજમાં અધ્યાપક રહ્યા. ‘ચીસ’ અને ‘ઉત્સેધ’ એમના કાવ્યસંગ્રહો છે. ‘અડખેપડખે’માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’માં લલિતનિબંધો સંચિત છે. ‘સ્પંદ’, ‘ચર્વણા’, ‘દયારામ’, ‘પ્રત્યગ્ર’, ‘પશ્ચાત્’, ‘નવલકથા સ્વરૂપ’, ‘લલિત નિબંધ’ એમના વિવેચનસંગ્રહો છે. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ એ એમનો શોધપ્રબંધ છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ એમનું સંપાદન છે. જયારે ‘શબ્દશ્રી’ તથા ‘ગદ્યસંચય- ૨’ એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. તેમણે ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ અને ‘નર્મદચંદ્રક’ જેવા ઍવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા તેમણે ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થયો છે.