15 Books / Date of Birth:-
07-05-1912 / Date of Death:-
06-04-1989
પન્નાલાલ પટેલ નવલકથાકાર, વાર્તાકાર હતા. તેમનો જન્મ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી.૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો અચાનક સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શ્રદ્ધા (૧૯૩૬) લખી. પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ.૧૯૪૦માં, તેમની પ્રથમ નવલકથા વળામણાં પ્રગટ થઇ. ૧૯૭૧માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરુઆત કરી. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.તેમણે પોતાના સંઘર્ષના દિવસોને 'વાસંતી દિવસો' ગણાવ્યા હતા. તેમની કૃતિ 'કંકુ' પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. તેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું. તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે.૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે