Mayur Patel
4 Books / Date of Birth:- 26-10-1978
વલસાડના રહેવાસી મયૂર પટેલ મૂળે તો સિવિલ ઍન્જિનિયરિંગ ભણ્યા છે, પણ સાહિત્યપ્રીતિને લીધે તેઓ બાળપણથી જ સાતત્યપૂર્ણ વાંચન-લેખન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમની પહેલી અંગ્રેજી નવલકથા ‘વિવેક ઍન્ડ આઇ’ 2011માં ‘પેંગ્વિન બૂક્સ ઇન્ડિયા’ દ્વારા પ્રકાશિત થઈ હતી, જે ડાંગના જંગલોમાં આકાર લેતી પ્રેમકથા છે. 2016માં પ્રકાશિત થયેલી તેમની બીજી અંગ્રેજી નવલકથા ‘સ્કાર્લેટ નાઇટ્સ’ માયાનગરી મુંબઈમાં ઘટતી સાયકૉલોજિકલ થ્રિલર છે. ‘આર. આર. શેઠ એન્ડ કંપની’ દ્વારા પ્રકાશિત એમની પ્રથમ ગુજરાતી નવલકથા ‘અનુભવment’ એક અનોખા પ્રકારની ટ્રાવેલ-નોવેલ છે, જેમાં પ્રવાસનો પરિવેશ એક મહત્ત્વપૂર્વ પાત્ર બનીને ઉભરે છે. લેખકના પોતાના ભારતભ્રમણ પર આધારિત આ પ્રવાસ-નવલને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા વર્ષ 2017ની સર્વશ્રેષ્ઠ નવલકથાનું દ્વિતિય પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવી છે. ગોધરા અને વડોદરા ખાતે કાર્યરત સાહિત્યિક અને સેવાભાવી સંસ્થા ‘કુમાર ફાઉન્ડેશન’ દ્વારા પણ ‘અનુભવment’ને વર્ષ 2017ની સર્વશ્રેષ્ઠ નવલકથાનો ‘દર્શક એવોર્ડ’ આપીને પુરસ્કૃત કરવામાં આવી છે. અગાઉ ‘મુંબઈ સમાચાર’ અને ‘ગુજરાત ગાર્ડિયન’ જેવા અખબારોમાં તથા ‘માતૃભારતી’ જેવા ઓનલાઇન માધ્યમમાં પ્રકાશિત થયેલી એમની સત્યઘટનાત્મક હોરર લેખમાળા ‘એક સ્થળ… ભૂતાવળ’ વર્ષ ૨૦૧૮માં ‘અમોલ પ્રકાશન’ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે. 2020માં ‘શોપિઝન’ એપ દ્વારા આયોજિત ઓનલાઇન નવલકથા-લેખન સ્પર્ધા ‘શોપિનોવેલ કોન્ટેસ્ટ’માં એમની ગુજરાતી સાયકોલોજિકલ થ્રિલર નવલકથા ‘ગુલમર્ગ એસ્ટેટ’એ રૂપિયા પચીસ હજારનું પ્રથમ ઈનામ જીત્યું હતું. જુલાઈ, 2021માં આ નવલકથા પુસ્તકરૂપે ‘આર. આર. શેઠ એન્ડ કંપની’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. તેઓ નવલકથા ઉપરાંત લેખ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણન, ફિલ્મ રિવ્યૂ અને બૂક રિવ્યૂ પણ લખે છે. તેમની વાર્તાઓ ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘અનોખી’, ‘એક અંધારી રાતે…’, ‘એક હસીન છલના’ તથા ‘ઉર્ધ્વારોહણ’ વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં ઈનામો જીતી ચૂકી છે. તેમની વાર્તા ‘મુક્તિ’ સૂરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘કેતન મુન્શી વાર્તા સ્પર્ધા 2017-18 ’માં વિજેતા બની હતી. વિવિધ વિષયો પર લખાયેલા લેખકના લેખ એમના બ્લોગ ‘વિષયાંતર’ પર ઉપલબ્ધ છે. લેખન ઉપરાંત એમને ગાયકીનો, ફિલ્મો જોવાનો અને પ્રવાસ કરવાનો શોખ છે. જુલાઈ, 2019માં ગુજરાતી ભાષાના પત્રકારો માટે અમેરિકન સરકાર દ્વારા વિશેષરૂપે આયોજિત કરાયેલી ‘આઇ.વી.એલ.પી. ટ્રિપ’નો હિસ્સો બનીને તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તેઓ હાલ ફ્રીલાન્સિંગ કરે છે.
Social Links:-