મહેન્દ્રભાઇ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર છે. તેમણે ન્યૂયોર્કથી પાછા ફરીને મુંબઇમાં ‘લોકમિલાપ કાર્યાલય’ શરૂ કર્યું, માસિક સામયિક ‘મિલાપ’ પણ શરુ કર્યું જે ભારતીય ભાષાઓમાંનું સૌ પ્રથમ ડાયજેસ્ટ બન્યું અને ગુજરાતનાં પ્રમુખ સામયિકોમાં સન્માનિત રહ્યું. ૧૯૫૩માં યુ.એસ.એસ.આર, પોલેન્ડ, યુગોસ્લાવિયામાં એક પત્રકાર અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ સાથે ગયા. તે પ્રવાસ બાદ લોકમિલાપ કાર્યાલયનું ‘લોકમિલાપ ટ્રસ્ટ’માં રૂપાંતર કર્યું. 1969માં ગાંધી શતાબ્દી વર્ષ દરમિયાન એકલે હાથે પાંચ ખંડોના અનેક દેશોનો પ્રવાસ ખેડીને ભારતીય પુસ્તકોનાં પ્રદર્શનો ભર્યાં! આફ્રિકા, અમેરિકા, એશિયા અને યુરોપના દેશોમાં તેમણે પુસ્તકોના જ માધ્યમથી ભારત માટે આંતરરાષ્ટ્રીય સમજણ ફેલાવવાનું પ્રતિનિધિરૂપ કાર્ય કર્યું. આ સદીની શરૂઆતથી જ તેમણે પોતાનાં ૫૦ વર્ષોના વાચનના દરિયામાં ડૂબકી લગાવીને કસી કસીને પસંદ કરેલાં મોતી જેવાં લખાણોનો સંગ્રહ ‘અર્ધી સદીની વાચનયાત્રા’ ભાગમાં પ્રગટ કરીને વેચાણ વિશ્વમાં વિક્રમ સ્થાપ્યો! આ દળદાર ગ્રંથોના 4 ગ્રંથોની 2,00,000 પ્રતો રૂ. 75ની નજીવી કિંમતે તેમણે અકલ્પ્ય ઓછા સમયમાં વહેંચી! ૮૩ વર્ષની ઉંમરે તેઓ આ ગ્રંથના પાંચમા ભાગના પ્રકાશનનું કાર્ય કરી રહ્યા છે. ફિલ્મોના શોખીન તેઓએ ભાવનગરમાં ‘ફિલ્મમિલાપ’ શરૂ કર્યું હતું અને બાળકો,આધેડ માટે વિશ્વભરમાંથી લાવી લાવીને બાળફિલ્મો,જૂની ક્લાસિક ફિલ્મો,ડોક્યુમેંટરીઝ વગેરેનો લાભ અપાવ્યો હતો.