Keshubhai Desai
35 Books / Date of Birth:-
03-05-1949
મૂર્ધન્ય નવલકથાકાર તરીકે સુખ્યાત કેશુભાઈ દેસાઈ મૂળે ધરતીના છોરું છે. ખેરાલુ (મહેસાણા)ના દેસાઈ-ચૌધરી પરિવારમાં જન્મેલા આ સર્જકે અત્યંત તેજસ્વી અને બહુમુખી પ્રતિભાના સંકેતો શાળાકાળ દરમિયાન જ આપી દીધા હતા. એસ.એસ.સી.માં ટૉપ રેન્કર કેશુભાઈ વડોદરા મૅડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યા પછી ઉત્તર ગુજરાતના અંતરિયાળ પ્રદેશોમાં અત્યંત સેવાભાવી ડૉક્ટર તરીકે નામના ધરાવતા હતા.
1981માં એકી સાથે ‘વન વનનાં પારેવાં’, ‘જોબનવન’ જેવી બે નવલકથાઓ અને એમની લોકપ્રિય કટાર ‘ઘમ્મરવલોણું’ના લેખોનો સંગ્રહ ‘એક ઘર જોયાનું યાદ’ પ્રકાશિત કરી એમણે સાહિત્યજગતમાં પદાર્પણ કર્યું એ પછી એમણે આજપર્યંત માતબર કૃતિઓ ગિરાગૂર્જરીના ચરણે ધરી છે. સવિશેષ નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.
ગુજરાતી ભાષામાંથી સૌથી વધુ પ્રમાણમાં અન્ય ભાષાઓમાં અનુવાદિત થતા રહેતા સર્જકોમાં કેશુભાઈ દેસાઈનું નામ મોખરે રહેતું આવ્યું છે. ‘ભારતીય જ્ઞાનપીઠ’. ‘હિંદ પૉકેટ બુક્સ’ અને ‘વાણી’ જેવાં પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહોએ એમની નવલકથાઓ અને વાર્તાઓના અનુવાદો પ્રકાશિત કર્યા જે પછી હિંદીમાંથી મરાઠી, પંજાબી અને તમિલ સુધી વિસ્તર્યા છે.
જોકે હજી સુધી એકપણ કાવ્યસંગ્રહ નહીં આપનાર કેશુભાઈ દેસાઈનો પ્રથમ પ્રેમ કવિતા છે અને તેઓ અત્યાર સુધી સો કરતાં વધુ સૉનેટ તથા એક ખંડકાવ્ય અને એક પ્રબંધકાવ્ય પણ લખી ચૂક્યા છે.
કેશુભાઈ દેસાઈને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ તથા અકાદમીના પારિતોષિકો ઉપરાંત સુરતની નર્મદ સાહિત્ય સભાનો ‘નંદશંકર ચંદ્રક’, ‘કેતન મુનશી પારિતોષિક’, શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ માટેનું રાષ્ટ્રીય કલાકેન્દ્રનું ‘સરોજ પાઠક પારિતોષિ’ક, મારવાડી સંમેલન, મુંબઈ દ્વારા અપાતો ‘ઘનશ્યામદાસ સરાફ પુરસ્કાર’ અને ‘સાહિત્ય સમ્માન’ તથા ‘મહાત્મા ગાંધી સુવર્ણચંદ્રક’ પણ પ્રાપ્ત થયેલ છે. તેઓને હિંદી સાહિત્ય સંમેલનનું સર્વોચ્ચ સમ્માન અને માનદ ઉપાધિ ‘સાહિત્ય વાચસ્પતિ’ પણ એનાયત થયેલ છે. બિહાર હિંદી સાહિત્ય સંમેલનનું ‘શિરોમણિ સમ્માન’ પણ ખરું. તદુપરાંત ‘સંસ્કાર ઍવૉર્ડ’, ‘પારિજાત ઍવૉર્ડ’ અને અનેક વાર્તાસ્પર્ધાઓનાં પ્રથમ પારિતોષિક ઉપરાંત બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ નિબંધ સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મળેલ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતના સભ્ય ઉપરાંત એમણે ગુજરાત રાજ્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે તથા ભારતીય જ્ઞાનપીઠની પ્રવર પરિષદના સદસ્ય તરીકે યાદગાર સેવાઓ આપી છે.
ડૉ. કેશુભાઈ દેસાઈને સ્વિટ્ઝર્લેન્ડની સરકારે સ્ટેટ ગેસ્ટ તરીકે નોતરી પૂરાં બે અઠવાડિયાં સુધી એ રમણીય દેશના ખૂણે ખૂણે ફેરવ્યા હતા. એમણે કૈલાસ માનસરોવર યાત્રા ઉપરાંત મોરારિબાપુ સાથે જાપાન, લંડન અને થાઇલૅન્ડનો પ્રવાસ પણ કરેલ છે.