જ્વલંત છાયા ગુજરાતના નામાંકિત પત્રકાર,લેખક છે. સાડા આઠ વર્ષથી તેઓ પ્રખ્યાત સામયિક ચિત્રલેખામાં સિનિયર કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કરે છે. તે અગાઉ સાડા નવ વર્ષ દિવ્ય ભાસ્કરમાં કામ કરી ચૂક્યા છે. રાજકોટના સાંધ્ય દૈનિક આજકાલ, સાંજ સમાચારમાં એમણે સ્થાનિક રાજનીતિ, મહાનગરપાલિકાના ફિલ્ડનું રિપોર્ટિંગ કરવાની સાથે એક્ઝિક્યુટિવ સ્ટોરીઝ કરી છે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓની રેલી, સભાના અહેવાલ લખ્યાં છે. બોલીવુડની જાણીતી ફિલ્મોના સેટ પર જઈને રિપોર્ટ લખ્યા છે. દૈનિક પત્રકારત્વ કરવાની સાથે એમણે સતત 12 વર્ષ સંવાદ નામે કટાર લખી છે. જેમાં પ્રેમ, પરમેશ્વર, આધ્યાત્મ, સાહિત્ય, સંગીત, ફિલ્મ સહિતના વિષયો પર વૈવિધ્યસભર, માહિતીથી ભરપૂર અને લાલિત્યથી નીતરતા લેખો લખ્યા. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિ, જયહિન્દની રવિપૂર્તિમાં કટાર લખ્યા ઉપરાંત આહા જિંદગી, અનોખી નારી, જીતો વર્લ્ડ, આરપાર, ફિલિંગ્ઝ, પ્રબુદ્ધ જીવન સહિતના સામયિકોમાં એમણે લેખો લખ્યા છે. તાદશ્ય , શબ્દસર જેવા જાણીતાં સાહિત્યિક મેગેજીનમાં એમની કવિતાઓને પણ સ્થાન મળ્યું છે. પત્રકારત્વ ઉપરાંત જ્વલંત સાહિત્ય ક્ષેત્રે પણ યાત્રા કરી રહ્યા છે. ટૂંકીવાર્તા, ગઝલ, અછાંદસ કવિતા પર હાથ અજમાવે છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી વાર્તાલાપ, ઇન્ટરવ્યૂ પ્રસારિત થતાં રહે છે. પત્રકારત્વની કારકિર્દી દરમિયાન એમણે 350થી વધારે ઇન્ટરવ્યૂ કર્યા છે. એમાંથી છવ્વીસ ઇન્ટરવ્યૂનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. સંવાદ, મજાના માણસને મળવાની મજા, થોટ્સઅપ, ડીયર સ્ટુડન્ટ અને ઝવેરચંદ મેઘાણીના સમગ્ર કાર્ય માંથી સંપાદિત પુસ્તક એમણે આપ્યાં છે. ગુજરાતી રંગભૂમિ અને સાહિત્ય ક્ષેત્રે સર્વપ્રથમ એવો હું આત્મકથા છું પ્રયોગ એમણે કર્યો હતો. લેખન,સંશોધન,પરિકલ્પના અને નિર્માણ બધું જ એમનું હતું. એ ઉપરાંત રગી મોહન કે રંગ, સોરઠી ડાયરી, રાજકોટના ગાંધી તથા રંગ છે રાજકોટ....એમણે લખેલાં નાટકો છે. રાજકોટના ગાંધી સિવાયના તમામ ભજવાયાં છે. દૂરદર્શન રાજકોટની સિરીયલ સપનું એક સવાયુંના કેટલાક એપિસોડના સંવાદો એમણે લખ્યા હતા. દૂરદર્શન માટે રાણકી વાવની ડોક્યુમેન્ટરીની સ્ક્રીપ્ટ પણ લખી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં, મુંબઇમાં તેમણે વિવિધ વિષયો પર વક્તવ્યો આપ્યાં છે. હજી પણ આપે છે. લેખક, વક્તા ઉપરાંત જ્વલંત એક સારા ફોટોગ્રાફર પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસક્રમની સમિતિમાં અધર ધેન ચેરમેન તરીકે તેઓ નિયુક્ત છે.