જયંત ગોકળદાસ ગાડીત નવલકથાકાર અને વિવેચક હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે 1961માં બી.એ. એ જ વિષયોમાં 1964માં એમ.એ. 1947માં પીએચ.ડી. 1965-77 દરમિયાન પેટલાદ અને મહુધાની કૉલેજમાં અધ્યાપન. 1977-86 સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં વ્યાખ્યાતા. 1986થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સંશોધન સંસ્થા ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર.
કથાનાયક આવૃત્તિની આસપાસ આલેખાયેલી લઘુનવલ ‘આવૃત્ત’(1969)માં સાંપ્રત શિક્ષણજગતમાં પ્રવેશેલાં દૂષણોની આલેખનશૈલી કટાક્ષની છે. એક જ ગ્રંથમાં મુદ્રિત બે લઘુનવલો ‘ચાસપક્ષી અને કર્ણ’ (1979) પૈકીની ‘ચાસપક્ષી’માં મિ. પંચાલ અને મિસિસ સોનીના અંગત મૈત્રીસંબંધના મનોવ્યાપારો અને પરસ્પરના જાતીય મનોવેગોનું આલેખન મુખ્ય છે.