Harsh Meswania
2 Books
હર્ષ મેસવાણિયાએ 21 વર્ષની વયે મેઇન સ્ટ્રીમ અખબારોમાં કટારલેખનનો પ્રારંભ કર્યો હતો. સતત દસેક વર્ષથી તેઓ લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. એ દરમિયાન વિભિન્ન ગુજરાતી અખબાર-સામયિકોમાં તેમના 900 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ, વિજ્ઞાન, ટૅક્નૉલૉજીને લગતા લેખો પ્રસિદ્ધ થયા છે.
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી સાઇન ઇન કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો.
હર્ષ મેસવાણિયાનો ઉછેર સોમનાથ નજીકના નાનકડા બીજ ગામમાં થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાંથી તેમણે માસ કૉમ્યુનિકેશન અને પત્રકારત્વમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. 2010-2011માં તેમણે એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનનાં વડા ડૉ. નીતા ઉદાણીના માર્ગદર્શનમાં ‘શબાના આઝમીનું ભારતીય સિનેમામાં પ્રદાન : એક અભ્યાસ’ વિષયમાં લઘુશોધનિબંધ રજૂ કરીને માસ કૉમ્યુનિકેશન, પત્રકારત્વમાં એમ.ફિલ.ની ડિગ્રી મેળવી હતી.
હર્ષ મેસવાણિયાએ 2009માં રાજકોટના ‘જય હિંદ’ દૈનિક અને ‘કાઠિયાવાડ પોસ્ટ’ સાપ્તાહિકમાં કટારલેખન આરંભ્યું હતું.
તેમણે 2011થી 2013 સુધી સંદેશ દૈનિકની અર્ધસાપ્તાહિક પૂર્તિનું સંપાદન કર્યું હતું.
તેમણે ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું હતું.
2014ની લોકસભાની ચૂંટણી, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે ગુજરાત સમાચારના ઇલેક્શન વિશેષ પાનાંઓમાં સહયોગ આપીને રાજકીય સમીક્ષા અને માહિતીપ્રદ લેખો લખ્યા હતા.
તેઓ GSTVના પેનલિસ્ટ તરીકે પણ સક્રિય રહ્યાં છે. જીએસટીવીની ઓસ્કર, ઇન્ડિયન સિનેમા, મંગલયાન જેવી ડિબેટ સીરિઝમાં તેમની હિસ્સેદારી હતી.
ગુજરાતી ભાષામાં ખૂબ જ ઓછા લખાતા સાંપ્રત પૉલિટિકલ સટાયરની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ ગુજરાત સમાચારના ગુરૂવારના એડિટ પાનાં પર તેઓ લખે છે. પૉલિટિકલ હાસ્ય-વ્યંગની પ્રાણીકથાના સ્વરૂપમાં લખાતી આ કૉલમ તે પ્રકારની ગુજરાતી ભાષાની એકમાત્ર કૉલમ છે.
2020માં હર્ષ મેસવાણિયાનું પુસ્તક ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ : જંગલમાં ચાલતા રાજકારણ અને રાજકારણમાં ચાલતા સર્કસની હળવીફૂલ કથાઓ’ નામથી પ્રસિદ્ધ થયું હતું. જેમાં પ્રાણીકથાના સ્વરૂપે પ્રવર્તમાન રાજકારણ પર લખાયેલી 34 હાસ્ય-વ્યંગ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. એ પુસ્તકને ગુજરાતી ભાષાનું મૉર્ડન ‘એનિમલ ફાર્મ’ કહીને નવાજવામાં આવ્યું હતું.
તેમણે વિશ્વકોશ માટે 2015માં ‘ભોંયરાના ભોમિયા’ નામની કિશોરકથા લખી હતી. ગુજરાત સમાચારના બાળસાપ્તાહિક ‘ઝગમગ’માં તેમની બાળ વાર્તાઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે.