Devangi Bhatt
10 Books
દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે ..... દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સીટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનિવર્સીટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. પણ રંગભૂમિ હંમેશા આ લેખિકા અને અભિનેત્રીનો પ્રથમ પ્રેમ રહી.રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. પછી એ સંગીત-નાટ્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃતિ “સમય સાક્ષી છે” હોય, કે ભવન્સની દ્વિઅંકી નાટકોની સ્પર્ધામાં લગભગ તમામ કેટેગરીમાં વિજયી બનેલું નાટક “ચિત્રલેખા” હોય . દેવાંગીની અંતિમ નાટ્યકૃતિ ‘એકલા ચાલો રે’ ટાગોરના અને કાજલ ઓઝા વૈદ્યના સાહિત્યિક વિવાદ પર આધારિત હતી.રંગભૂમિ માટે અનેક પ્રયોગો લખ્યા પછી વર્ષ ૨૦13 માં દેવાંગી ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પરસેપ્શન’ પ્રકાશિત થયો. એ પછી લગભગ બે વર્ષ એમણે એડિટર નંદિની ત્રિવેદી માટે મેગેઝીન ‘મારી સહેલી’ ની કોલમ ‘બીદેશીની’ લખી. ભારતની દીકરીઓ કે જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી હતી એમના અનુભવો આ કોલમમાં આલેખાયા. વાચકોએ આ ભાવવાહી લખાણને વધાવ્યું. પણ ભાવનાત્મક આલેખન કરી શકતા દેવાંગી ભટ્ટ એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દો આસપાસ સહમતિ-અસહમતિની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતિ હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે. દેવાંગીએ શ્રી રામસ્વરૂપ દ્વારા લિખિત ‘Hinduism- Reviews and Reflections’ નો અનુવાદ કર્યો છે જેની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલી દ્વારા લખાઈ છે. આ અતિગંભીર લેખન સાથે દેવાંગી એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે. લખાણના અનેક સ્વરૂપોમાં કામ કરતા લેખિકાને એમનું પ્રિય સ્વરૂપ પૂછો તો કહે છે “નવલકથા ... એક નવા વિશ્વનું નિર્માણ જેમાં શહેરો, રસ્તા, ઘરો, વૃક્ષો અને પાત્રો ...ત્યાં સુધી કે ઉંબરાનો દીવો પણ મારે જ સર્જવાનો હોય. જ્યાં કોઈ બીજું નથી, ફક્ત મારી કલ્પનાનો વિસ્તાર છે. ઈશ્વરને આ વિશ્વ બનાવતી વખતે કદાચ આવી જ અનુભૂતિ થઇ હશે.”