સટિક અભિવ્યક્તિને માનવમનમાં સાંગોપાંગ ઉતારવી, એ જાણે રણમાં ગુલાબ ખીલવવાની ઘટના જેવી અને આવું જે કરી જાણે છે, તે કૌશલ્યશીલ સાહિત્યકારોની પંગતમાં સ્થાન લે છે. આવું કરવું કંઈક અઘરું પણ છે. છતાંય અશેષ તો નથી. હા, તેની માત્રા ઝાઝેરી ન હોય. આવી ને આ પંગતમાં બેસનાર ડૉ. દક્ષા ગોર પણ છે. તેમની બાહોશી નાનપણથી જ ખીલી છે. બાલ્યકાળથી – શાળાકક્ષાએ લેખિત એવમ્ મૌખિક અભિવ્યક્તિની દક્ષતા પુરવાર કરી દેખાડી છે.
આર્થિક સંકડામણ અને લઘુસંસાધનોની વિષમતા વચ્ચે પ્રત્યેક ધોરણમાં અવ્વલ નંબર મેળવી પિતાની નામના ઉત્તુંગ રાખી શક્યાં તેની ચર્ચા સમાજમાં થવા લાગી. શમણું તો તબીબ બનવાનું પણ બીમારી અને પેલી આર્થિક સ્થિતિ અડચણરૂપ બની. અંગ્રેજી સાથે 1994માં સ્નાતક થયાં, B.Ed. અને M.Ed. થયાં, તેમાં પણ M.Ed.માં ગુજરાત યુનિવર્સિટમાં પ્રથમ રહીને. અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી વિષયમાં પણ કચ્છ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. એવું જ શિષ્યવૃત્તિ પરીક્ષામાં કરી દેખાડ્યું અને નેશનલ મેરિટ સ્કૉલરશિપ સ્નાતક કક્ષા સુધી મેળવી.
શુદ્ધ ઉચ્ચારણ અને સ્વરની મંજુલતા થકી આકાશવાણીમાં કેઝ્યુઅલ ઉદ્ઘોષક તથા વિવિધ કાર્યક્રમોમાં સંચાલકની ભૂમિકા લાંબા સમય સુધી હેત્વંતર બની રહી છે. આ કૌશલ્યોનું ઘડતર છાત્રાવસ્થાએથી જ થયેલું. શનૈઃ શનૈઃ કાગળ ઉપર થવા લાગ્યું. ચરિત્રનિબંધ, શૈક્ષણિક લેખો, અછાંદસ લઘુકાવ્યો, સાંપ્રત વિષયોને લગતા વૈચારિક લેખો અને રિસર્ચ પેપર્સ લખી ન પોતાની, પરંતુ સંસ્થા-સમાજની ગરિમા વધારી છે.
ડૉ. દક્ષાબહેનની દુગ્ધભાષા કચ્છી. કચ્છી-ગુજરાતીમાં ઘણી જગ્યાએ વ્યાકરણસંબંધી ભેદ પડે છે; તેમની લેખિની કે જીભ ક્યાંય કચ્છી-ગુજરાતી લખતી-બોલતી વખતે ચાંતરતી નથી, એટલી સજગતા! આવી ભાષાશાલીનતા M.Phil અને Ph.D. કરતી વખતે ઉપયોજનમાં રહી. M.Philમાં વિષય હતો – `કવિ નર્મદનાં કાવ્યોમાંથી તારવેલા સ્ત્રીશિક્ષણ અંગેના વિચારોનો વિવેચનાત્મક અભ્યાસ' તથા Ph.D.માં – `સ્વાતંત્ર્યોત્તર સમયમાં પ્રગટ થયેલ ગુજરાતી નવલિકાઓમાંના શૈક્ષણિક નિર્દેશોનો સમીક્ષાત્મક અભ્યાસ' એટલે જ, ચરિત્રનિબંધો તથા શૈક્ષણિક લેખો તરફ તેમની લેખિની સંભવત્ વળી હોય(!) તદુપરાંત દસ પુસ્તકો થાય એટલું પ્રકીર્ણ સાહિત્ય અને વિવિધ સંશોધનો મુદ્રિતાવસ્થાએ ટૂંટિયું વાળી રાહ જોઈ રહ્યાં છે.
ડૉ. દક્ષા યોગેશભાઈ ગોર કટારલેખક છે. તેમની `વિદ્યાવિમર્શ' અને `સત્રૂપા' કટાર નિયમિત પ્રગટ થઈ તેની નોંધ સર્વત્રે લેવાઈ રહી છે. 1995માં `જવાબી' સંસ્થાએ શૈક્ષણિક–સાહિત્યિક સિદ્ધિઓ માટે `પાંજોમાડૂ' ઍવૉર્ડ આપ્યો. ડૉ. દક્ષાબહેન જિલ્લા શિક્ષણ અને તાલીમભવન, ભુજ (કચ્છ) મધ્યે પ્રાચાર્ય તરીકે કાર્યરત છે.