Bindu Bhatt
4 Books / Date of Birth:-
18-09-1954
બિંદુ ભટ્ટ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને અનુવાદક છે. તેમની નવલકથા ‘અખેપાતર’ (1999)ને વર્ષ 2003 માટેનો ‘સાહિત્ય અકાદમી ઍવૉર્ડ’ મળ્યો હતો. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 'મીરા યાજ્ઞિકની ડાયરી'(1992) અને 'બાંધણી'(2009)નો સમાવેશ થાય છે.
તેમનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં ગિરધરલાલ અને કમલાબહેનને ઘેર થયો હતો. ત્યારબાદ તેમના પરિવારે લીંબડી અને ત્યારબાદ અમદાવાદ સ્થળાંતર કર્યું. તેમણે બી.એ. કન્યા વિદ્યાલય, લીંબડીમાં શાલેય અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી 1976માં બી.એ.ની પદવી અને 1978માં ગુજરાત યુનિવર્સિટીની સ્કુલ ઑફ લૅન્વેજમાંથી હિન્દી સાહિત્ય વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેમણે ભોળાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક હિન્દી ઉપન્યાસ : કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. 1991માં, તેમણે ગુજરાતી લેખક અને કવિ હર્ષદ ત્રિવેદી સાથે લગ્ન કર્યા.તેમણે પોતાની કારકિર્દી પ્રાધ્યાપક તરીકે શરૂ કરી અને ત્યારબાદ ગુજરાતી અને હિંદી ભાષામાં લખવાનું શરૂ કર્યું. તેમણે છ વર્ષ સુધી સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ અને સાયન્સ કૉલેજમાં હિંદી સાહિત્ય ભણાવ્યું. ઈ.સ. 1991માં તેઓ ગાંધીનગરમાં આવેલી ઉમા આર્ટસ અને નાથીબા કૉમર્સ મહિલા કૉલેજમાં જોડાયા અને હજુ પણ ત્યાં ઍસોસિએટ પ્રોફેસર અને હિંદી ભાષા વિભાગના વડા તરીકે કાર્યરત છે.હિન્દી, સિંધી, મરાઠી, કચ્છી, રાજસ્થાની અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં તેમના પુસ્તકોના અનુવાદ કરવામાં આવ્યા છે. તેમણે ઘણાં ગુજરાતી પુસ્તકોનો હિંદીમાં અનુવાદ કર્યા છે, જેમકે હરિવલ્લભ ભાયાણીની ‘અપભ્રંશ વ્યાકરણ’, ધીરુબેન પટેલની ‘આંધળી ગલી’ અને જયંત ગાડીતની ‘સત્ય’ વગેરે. તેમણે હિન્દીથી ગુજરાતીમાં પણ ભાષાંતરો કર્યા છે, જેમાં ‘ફણીશ્વરનાથ રેણુ’, ‘દાદુ દયાલ’ અને ‘શ્રીકાંત વર્મા’નાં પુસ્તકોનો સમાવેશ થાય છે.